પ્રજાસત્તાક દિને થશે ઈતિહાસનું પુનરાવર્તન, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ બનશે અતિથિ વિશેષ

નવી દિલ્હી- આ વખતના પ્રજાસત્તાક દિવસે ઈતિહાસનું પુનરાવર્તન થશે. 26 જાન્યુઆરી 1950ના દિવસે આઝાદ ભારત દેશે તેનો પ્રથમ ગણતંત્ર દિવસ મનાવ્યો હતો. એ સમયે દક્ષિણ-પૂર્વ એશિયાના દિગ્ગજ નેતા અને ઈન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ સુકર્ણો ભારતના પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ બન્યા હતા. 68 વર્ષ બાદ ફરી એકવાર ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિદોદો ભારતના ગણતંત્ર દિવસે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે.જોકે આ વખતે ફક્ત ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ એકલા જ મુખ્ય મહેમાન નથી. આ ઉપરાંત ભારતે આસિયાનના નવ અન્ય રાષ્ટ્રાધ્યક્ષોને પણ ગણતંત્ર દિવસ માટે નિમંત્રણ આપ્યું છે. જે પરેડ દરમિયાન ભારતની સૈન્યક્ષમતા અને સાંસ્કૃતિક વિવિધતાના સાક્ષી બનશે. આપને જણાવી દઈએ કે, પીએમ મોદીએ તેમની એક્ટ ઈસ્ટ પોલિસી અંતર્ગત દક્ષિણ-પૂર્વ અશિયાઈ દેશોના સંગઠન આસિયાનના 10 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને પણ પ્રજાસત્તાક દિવસ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જે પોતાનામાં એક વિશેષતા છે.

આ પહેલા ભારતે ગણતંત્ર દિવસે બેથી વધારે મુખ્ય અથિતિ બોલાવ્યાં નથી. પીએમ મોદીએ તેમના આ વખતના ‘મન કી બાત’ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, 26 જાન્યુઆરી 2018ના ગણતંત્ર દિવસને આવનારા સમયમાં વિશેષરુપે યાદ રાખવામાં આવશે. ગણતંત્ર દિવસે મુખ્ય અતિથિઓની સંખ્યા વધારે હોવાને કારણે રાજપથ પર VIP સ્ટેન્ડને પણ વધુ મોટું બનાવવામાં આવ્યું છે.