હિમાચલ પ્રદેશ: બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક વધ્યો, 13 જવાનો સહિત 14ના મોત

સોલન: હિમાચલ પ્રદેશના સોલનના કુમારહટ્ટી-નાહન હાઈવેના કિનારે બનેલી એક બહુમાળી રેસ્ટોરાંની બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ. બિલ્ડિંગના કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાના અહેવાલ છે. આ દુર્ઘટનામાં સેનાનાં 13 જવાનો અને 1 મહિલા સહિત કુલ 14 લોકોના મોત થયાં છે. જ્યારે 28 લોકોનો આબાદ બચાવ કરાયો છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે.

જે સમયે દુર્ઘટના બની તે સમયે હોટલમાં 42 લોકો હાજર હતાં. હોટલમાં હાજર લોકોમાં 30 સેનાના જવાન હતાં, જ્યારે 12 સામાન્ય નાગરિકો હોવાનું કહેવાય છે. હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે જણાવ્યું કે, યંચકુલાથી એનડીઆરએફની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે, અને ડોક્ટરોની ટીમ પણ ઘટાના સ્થળે પહોંચી છે. બચાવ કામગીરી ચાલુ જ છે મને વિશ્વાસ છે કે, આગામી થોડાક કલાકોમાં બચાવકામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે અને ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.

મળતા અહેવાલ મુજબ, હિમાચલ પ્રદેશના કુમારહટ્ટીના જે રેસ્ટોરાંમાં આ દુર્ઘટના થઈ ત્યાંથી પસાર થઈ રહેલા સેનાનાં જવાન ખાવા માટે રોકાયા હતા. જે સમયે દુર્ઘટના બની તે સમયે સેનાના જવાનોની સાથે તેમના પરિવારના લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા. સતત ભારે વરસાદના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી થઈ રહી છે.

એનડીઆરએફના જવાન ઘટનાસ્થળે આધુનિક મશીનરીની સાથે પહોંચી ગયા છે અને સ્નિફર ડોગ્સની સાથે કાટમાળમાં ફસાયેલા લોકો સુધી પહોંચવાની પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મળતા અહેવાલ મુજબ, કાટમાળમાં હજુ પણ સાત લોકો ફસાયેલા છે. તે તમામ સેનાના જવાન હોવાનું કહેવાય છે.

આ ઘટનાને પગલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુર સાથે ફોન પર વાતચીત કરી છે. તેમણે જણાવ્યું કે, તે દુર્ઘટના પર સતત નજર રાખી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. શનિવારે અહીં એટલો વરસાદ પડયો કે, છેલ્લા તમામ રેકોર્ડ તૂટી ગયા. નદી-નાળા છલકાઈ જતાં પાણી રસ્તા પર આવી ગયું છે.

જેના કારણે મોટા પ્રમાણમાં કાટમાળ અને કિચળ સીધો હોટલો, ઘરો અને કેમ્પિંગ સાઈટોમાં ઘૂસી ગયું  છે. આ દરમિયાન અનેક હોટલો, કેમ્પિંગ સાઈટો અને ઘરોને મોટું નુકસાન પહોંચ્યું છે. સોલન-ચાયલ રોડ અનેક કલાકો સુધી બંધ રહેતા પ્રવાસીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.