હિમાચલ ચૂંટણીમાં સરેરાશ 74 ટકાથી વધુ મતદાન

શિમલા- હિમાચલપ્રદેશની 68 વિધાનસભા બેઠક માટે 74 ટકાથી વધુ મતદાન છે. સવારથી મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળતો હતો. જો કે બપોર સુધી મતદારોએ મતદાન મથકની બહાર લાંબી લાઈનો લગાવી હતી. કેટલાક વિસ્તારોમાં વીવીપેટ મશીનો ખોટકાયાની ફરિયાદો મળી હતી, તે કેટલાક બૂથ પર મતદાન એકથી માંડીને બે કલાક સુધી ખોરવાયું હતું, આ બૂથ પર મતદારોને લાઈનમાં વધુ વાર ઉભા રહેવું પડયું હતું. તેમછતાં મતદારોમાં મત આપવાની તાલાવેલી હતી. બપોર પછી મતદાનની ટકાવારીમાં ખાસ્સો વધારો થયો હતો. એક અંદાજ મુજબ સાંજે પાંચ વાગ્યા સુધી સરેરાશ 74થી વધુ ટકા મતદાન થયું હતું. ચૂંટણી પંચના કહેવા પ્રમાણે મતદાનની ટકાવારીમાં વધારો થઈ શકે છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ એમ બે પરંપરાગત પ્રતિદ્વંદ્વી વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. રાજ્યમાં અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોનું કોઈ ખાસ મહત્વ નથી.

વર્તમાન ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મતદાતાઓને આકર્ષવા વિકાસ અને ભ્રષ્ટાચારના મુદ્દાને કેન્દ્ર સ્થાને રાખ્યો છે. તો કોંગ્રેસે GST મુદ્દો આગળ ધરી જનતાને રાજી કરવા પ્રયાસ કર્યો હતો. રાજ્યની તમામ 68 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન પ્રક્રિયા પુરી કરી લેવામાં આવશે. મતગણતરી 18 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.

મતદાનનું લાઈવ અપડેટ

  • સવારે 8 વાગ્યાથી મતદાનનો પ્રારંભ
  • મતદાન કેન્દ્રો પર જોવા મળી લાંબી લાઈનો
  • લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ
  • ભાજપના સીએમ પદના ઉમેદવાર પ્રેમકુમાર ધુમલ સવારે 10 વાગ્યે મતદાન કરશે
  • સુરક્ષાનો ભારે બંદોબસ્ત, 11500 પોલીસ જવાન, 6400 હોમગાર્ડ અને પેરામીલિટરી ફોર્સની 65 કંપની તહેનાત
  • નાહનના પોલિંગ બૂથ પર EVM ખરાબ થતા સવારે 8થી 9 સુધી મતદાન ન થઈ શક્યું
  • વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને બહુમતી મળશે, રાજ્યમાં આગામી સરકાર પણ કોંગ્રેસની હશે: વીરભદ્ર સિંહ, વર્તમાન સીએમ
  • વીરભદ્ર સિંહ અને તેમના પુત્ર વિક્રમાદિત્યએ શિમલામાં મતદાન કર્યું અને કોંગ્રેેસના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
  • 10 વાગ્યા સુધીમાં સરેસાશ 13.62 ટકા મતદાન
  • શિમલા શહેરી વિસ્તાર ક્ષેત્રમાં 18.7 ટકા મતદાન, શિમલા ગ્રામિણમાં 20 ટકા મતદાન, કસુમ્પટીમાં 22 ટકા અને ચૌપાલમાં 15 ટકા મતદાન
  • નાહન ચૂંટણી ક્ષેત્રના પોલિંગ બૂથ પર વોટિંગ મશીન ખરાબ, સ્થળ પર પહોંચ્યા SDM અને રિટર્નિગ ઓફિસર
  • છેલ્લા અઢી કલાકથી મશીન ખરાબ છે જેથી હજી સુધી મતદાન શરુ થયું નથી
  • સરકારઘાટ ક્ષેત્રમાં પ્રથમ બે કલાકમાં 26 ટકા મતદાન નોંધાયું
  • હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં 12 વાગ્યા સુધીમાં 28.60 ટકા મતદાન
    -12 વાગ્યા સુધીમાં ઉનામાં 35 ટકા મતદાન
    -કાંગડામાં સૌથી ઓછુ 22 ટકા મતદાન
    -કુલ્લુ જિલ્લામાં 29 ટકા મતદાન
    -મનાલીમાં 28 ટકા અને આનીમાં 29 ટકા મતદાન
    -12 વાગ્યા સુધી હમીરપુરમાં 37 ટકા મતદાન
    -1 વાગ્યા સુધી ચંબામાં 30 ટકા મતદાન

    -ઠિયોગ-કુમારસેનમાં 12 વાગ્યા સુધી 42 ટકા મતદાન

    -જુબ્બલ કોટખાઈમાં 45 ટકા મતદાન

    -બે વાગ્યા સુધીમાં 54.09 ટકા મતદાન

    -4 વાગ્યા સુધીમાં 64.08 ટકા મતદાન નોંધાયું

    -પ વાગ્યે મતદાન પૂર્ણ થયું અને હિમપાત શરૂ થયો હતો.

    -દિવસ દરમિયાન ચૂંટણીના ગરમાવા પછી સાડા પાંચ વાગ્યા પછી ઠંડીની શરૂઆત થઈ ગઈ હતી.

    -ચૂંટણી પંચે સત્તાવાર જાહેર કર્યું હતું કે 74 ટકાથી વધુ મતદાન થયું છે, અને આ ટકાવારીમાં વધારો થઈ શકે છે

    રાજ્યમાં VVPAT અને EVM સાથે કુલ 7521 મતદાન મથકો સ્થાપવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં આ વખતની વિધાનસભા ચૂંટણીમાં 136 બૂથ એવા રાખવામાં આવ્યા છે જેનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે. રાજ્યની વર્તમાન વિધાનસભાની મુદત 07 જાન્યુઆરી, 2018ના રોજ પુરી થાય

    વસ્તીની વાત કરીએ તો, હિમાચલપ્રદેશમાં કુલ વસ્તી 71 લાખથી થોડી વધારે છે. જેમાં એક હજાર પુરુષોએ 974 મહિલાઓ છે. મતદારોની વાત કરીએ તો, ચૂંટણીપંચ દ્વારા સપ્ટેમ્બર 2017માં બહાર પાડવામાં આવેલી માહિતી પ્રમાણે રાજ્યમાં કુલ 49,05,677 મતદારો છે. જે નવી સરકારનું ભવિષ્ય નક્કી કરશે.

    12 જિલ્લાઓ ધરાવતા આ નાનકડા પહાડી રાજ્ય હિમાચલમાં વિધાનસભાની 68 બેઠક આવેલી છે. રાજ્યમાં 48 લાખ 27 હજાર 644 મતદાતાઓને ચૂંટણીપંચ દ્વારા ફોટો ઓળખ પત્ર આપવામાં આવ્યા છે. જ્યારે મતદાર યાદીનું પુન: નિરીક્ષણ કરવા દરમિયાન તેમાં 1 લાખ 25 હજાર 556 નવા મતદાતાઓ ઉમેરાયા છે.

    નવી યાદી મુજબ 18થી 19 વર્ષના વય જૂથમાં 40 હજાર 567 અને 19 વર્ષના વયજૂથમાં 84 હજાર 989 નવા મતદાતાઓ નોંધાયા છે. આ ઉપરાંત 47 હજાર 523 મતદાતાઓના નામ મૃત્યુ થવાને કારણે અથવા સ્થાન પરિવર્તનને કારણે તેમજ બે જગ્યાએ નામ નોંધાવાની ભૂલને કારણે યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે.