મોબ લિન્ચિંગની ઘટનાઓ રોકવા કેન્દ્ર સરકારે નિમી ઉચ્ચ સમિતિઓ

નવી દિલ્હી – દેશભરમાં ટોળા દ્વારા કરવામાં આવી રહેલી હત્યાઓની ઘટનાઓ વધી રહી હોવાથી કેન્દ્ર સરકાર પર ટીકાનો વરસાદ વરસી રહ્યો છે. આજે કેન્દ્ર સરકારે નિર્ણય લઈને એક ઉચ્ચ સ્તરીય સમિતિ અને ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની રચના કરી છે, જેની આગેવાની ગૃહ પ્રધાન રાજનાથ સિંહને સોંપવામાં આવી છે.

રાજસ્થાનના અલવરમાં એક મુસ્લિમ પુરુષની શંકાસ્પદ ગૌરક્ષકોએ હત્યા કરી એ બનાવને પગલે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.

સમિતિની આગેવાની ગૃહ સચિવ આર.કે. ગાઉબાને સોંપવામાં આવી છે જેમાં ન્યાય, કાયદાકીય બાબતો, પ્રશાસકીય તથા સામાજિક ન્યાય વિભાગોના સચિવો સભ્ય છે.

સરકારે રચેલા ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની આગેવાની રાજનાથ સિંહને અપાઈ છે. ઉક્ત સમિતિ જે ભલામણો કરશે એની પર આ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ વિચારણા કરશે.

ગ્રુપ ઓફ મિનિસ્ટર્સમાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ, રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરી, કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ અને સામાજિક ન્યાય પ્રધાન થાવરચંદ ગેહલોત સભ્યો તરીકે છે.

ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ ત્યારબાદ એમની ભલામણો વડા પ્રધાનને કરશે.