દેશના 13 રાજ્યોમાં આગામી 48 કલાકમાં આંધી-તોફાનનું એલર્ટ, હરિયાણામાં સ્કૂલ બંધ

નવી દિલ્હી- પૂર્વોત્તર ભારતના અનેક રાજ્યો માટે આગામી 48 કલાક મુશ્કેલી ભર્યા બની રહેશે. આ રાજ્યોને  આંધી-તોફાન અને ભારે વરસાદનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ભારે વરસાદ સાથે કરા પડવાની પણ ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના એલર્ટને કારણે હરિયાણામાં રાજ્ય સરકારે 6 અને 7 મેના રોજ સ્કૂલોમાં રજા જાહેર કરી છે.હવામાન ખાતાએ જણાવ્યું કે 4 મેના રોજ આવેલા વિનાશકારી તોફાન જેવું આ તોફાન વિકરાળ નહીં હોય. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉત્તરપૂર્વ રાજસ્થાન અને એના પાડોશી રાજ્યો ઉપર હવાના દબાણને કારણે આંધી-તોફાન અને વરસાદ થશે. હવામાન ખાતાએ જણાવ્યું કે, બુધવાર સુધી વાવાઝોડાની અસર રહેશે.

આંધી દરમિયાન સરકાર તરફથી સાવચેતીના પગલાં લેવા માટે પણ માહિતી આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું, ઝાડની નીચે કાર પાર્ક ન કરવી. આંધી-તોફાન આવે ત્યારે ઝાડનો સહારો ન લેવો.