ગુજરાત અને હિમાચલ: ભાજપે જીત મેળવી હવે સીએમ કોણ બનશે એ યક્ષપ્રશ્ન

નવી દિલ્હી- ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જીત તો મેળવી લીધી છે પરંતુ હિમાચલ પ્રદેશમાં સીએમ પદના ઉમેદવાર પ્રેમકુમાર ધુમલ સહિતના પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ચૂંટણી હારી જતાં ભાજપને જીતનો આ સ્વાદ થોડો ફિક્કો લાગ્યો. ગુજરાતમાં પણ કમળ તો ખીલ્યું. જોકે રાહુલ ગાંધીના નવા અવતારે ભાજપને ત્રણ આંકડાથી પણ વંચિત રાખી અને પોતાના જ ગઢમાં ભાજપની જીતનું માર્જિન સાવ ઓછું થઈ ગયું.

હિમાચલમાં ચાલેલી કોંગ્રેસ વિરુદ્ધની લહેરને કારણે ભાજપે પૂર્ણ બહુમતી તો મેળવી લીધી. બીજી તરફ કોંગ્રેસને 21 બેઠકથી સંતોષ માનવો પડ્યો. પરંતુ ભાજપની આ પૂર્ણ બહુમતી છતાં રાજ્યમાં સ્થિતિ એવી છે કે, તેની પાસે સીએમ લાયક કોઈ ચહેરો નથી. કારણકે, ભાજપના સીએમ પદના ઉમેદવાર પ્રેમકુમાર ધુમલ સહિત અનેક મોટા માથાં ચૂંટણી હારી ગયાં છે.

ગુજરાતમાં નવો ચહેરો કોણ?

સૂત્રોનું માનીએ તો ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સીએમ પદનો ચહેરો બદલી શકે છે. મળતી માહિતી અનુસાર ગુજરાત સીએમની રેસમાં કાપડપ્રધાન સ્મૃતિ ઈરાનીનું નામ આગળ છે. સશક્ત નૈતૃત્વ અને ગુજરાતી ભાષાના જાણકાર હોવાની સાથે સ્મૃતિ ઈરાનીને ગુજરાતના આગામી સીએમ તરીકે આગળ કરવામાં આવે તો નવાઈ નહીં

સીએમ પદ માટે બીજા નંબરે કેન્દ્રીય માર્ગપરિવહન અને રાજ્યમાર્ગ શિપિંગના રાજ્યકક્ષાના પ્રધાન મનસુખ માંડવિયાનું નામ પણ ચર્ચામાં છે. માંડવિયા પાટીદાર હોવાની સાથે ખેડૂત પરિવારમાંથી આવે છે અને જમીન સાથે જોડાયેલા નેતા છે.

ત્રીજા સ્થાને વજૂભાઈ વાળાનું નામ પણ ચર્ચામાં છે. વજૂભાઈ ક્ષત્રિય સમાજમાંથી આવે છે. હાલમાં તેઓ કર્ણાટકના રાજ્યપાલ છે અને ગુજરાત વિધાનસભાના પૂર્વ સ્પિકર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. ગ્રાઉન્ડ લેવલના સંગઠનના જાણકાર અને સૌરાષ્ટ્રમાં સારી પકડ ધરાવનારા વજૂભાઈને પણ સીએમ પદની જવાબદારી સોંપવામાં આવે તો નવાઈ નહીં.

એક વાતતો સ્પષ્ટ છે કે, ગુજરાતના પરિણામોથી પીએમ નરેન્દ્ર મોદી ખુશ નથી જણાઈ રહ્યાં. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી માટે ગુજરાત ઘણું મહત્વ ધરાવે છે. આ સ્થિતિમાં પીએમ મોદી ગુજરાતની આગેવાનીને લઈને કોઈપણ ચૂકને ચલાવી લેવાના મૂડમાં નથી.

હિમાચલમાં હવે કોણ?

હિમાચલ પ્રદેશમાં સ્પષ્ટ બહુમતિ મળવા છતાં વર્તમાન સ્થિતિએ ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી છે. જેને નિવારવા પાર્ટીએ જાહેરાત કરી છે કે. રક્ષાપ્રધાન નિર્મલા સીતારમણ અને કેન્દ્રીયપ્રધાન નરેન્દ્ર તોમર હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે અને ત્યાંના સ્થાનિક નેતાઓના અભિપ્રાય જાણી ત્યારબાદ સીએમના નામની જાહેરાત કરશે.