કશ્મીરમાં ઉગ્રવાદીઓના બે ગ્રેનેડ હુમલામાં 23 જણને ઈજા

શ્રીનગર – જમ્મુ અને કશ્મીરમાં ઉગ્રવાદીઓએ આજે કરેલા બે ગ્રેનેડ હુમલામાં આઠ સુરક્ષા જવાન સહિત 23 જણ ઘાયલ થયા છે. આમાં સીઆરપીએફના નાયબ સુપ્રિન્ટેન્ડન્ટનો પણ સમાવેશ થાય છે.

પોલીસે કહ્યું કે ઉગ્રવાદીઓએ આજે સવારે શોપિયાં નગરમાં એક પોલીસ ટૂકડી પર ગ્રેનેડ ફેંક્યો હતો. એમાં ચાર પોલીસો અને 12 નાગરિકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉગ્રવાદીઓને પકડવા માટે તે વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી છે.

એક છોકરીની ઈજા ગંભીર હોવાથી એને વિશેષ સારવાર માટે શ્રીનગરમાં શિફ્ટ કરવામાં આવી છે. શોપિયાંના સ્ટેશન હાઉસ ઓફિસર ગુલઝાર એહમદ તથા ત્રણ કોન્સ્ટેબલ આ હુમલામાં ઘાયલ થયા છે.

અન્ય એક હુમલામાં, પુલવામા નગરમાં ઉગ્રવાદીઓએ સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સની એક ટૂકડી પર ફેંક્યો હતો. એમાં સીઆરપીએફના ચાર જવાન અને ત્રણ નાગરિક ઘાયલ થયા છે.

ઈજાગ્રસ્તોમાં સીઆરપીએફના નાયબ સુપ્રિન્ટેન્ડન્ટ અનુજ પાઠકનો સમાવેશ થાય છે.

આ હુમલો સાંજે 4.45 વાગ્યે કરવામાં આવ્યો હતો.

હાલ રમઝાન મહિનો ચાલતો હોઈ કેન્દ્ર સરકારે જમ્મુ-કશ્મીરમાં એકતરફી યુદ્ધવિરામની જાહેરાત કરી છે તે છતાં ઉગ્રવાદીઓએ સુરક્ષા જવાનો પર હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે.