PMના વડપણમાં 2 નવી કેબિનેટ કમિટી રચાઈ, આર્થિક વિકાસ માટે કરશે આ કામ…

નવી દિલ્હીઃ અર્થતંત્રમાં મંદીની સંભાવના અને બેરોજગારીની વધતી જતી સમસ્યા સામે લડવા માટે કેન્દ્ર સરકારે બે નવી સમિતિઓનું ગઠન કર્યું છે. આર્થિક વિકાસ સાધવા અને રોકાણ તથા રોજગારી વધારવાના હેતુ સાથે રચાયેલી આ બંને સમિતિના વડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. રોકાણને વિકાસ માટે રચાયેલી પાંચ સભ્યોની સમિતિમાં વડાપ્રધાન ઉપરાંત ગૃહપ્રધાન અમિત શાહ, નાણાંપ્રધાન નિર્મલા સીતારમન, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરી અને રેલવેપ્રધાન પીયૂષ ગોયલનો સમાવેશ થાય છે.

રોજગારી અને કૌશલ્ય વિકાસ માટેની બીજી સમિતિમાં દસ સભ્યોનો સમાવેશ છે. એમાં પણ વડાપ્રધાન, ગૃહપ્રધાન, નાણાપ્રધાન અને રેલવેપ્રધાન ઉપરાંત ખેતી-ખેડૂતને ગ્રામીણ વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ, પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, કૌશલ્ય અને ઉદ્યોગસાહસિક પ્રધાન મહેન્દ્રનાથ પાંડે સાથે બે રાજ્યપ્રધાનો પણ સામેલ છે.

2018-19ના અંતિમ ત્રિમાસિકમાં જી.ડી.પી. રેટ 5.8 ટકાની સપાટી પર પટકાઈ જતાં નવી સરકાર માટે આર્થિક સુધારા સૌથી પહેલો ને મોટો પડકાર છે. ગત આખા વરસનો જી.ડી.પી. 7.2 ટકાના લક્ષ્ય સામે 6.8 જ રહ્યો હતો. બીજી તરફ, અગાઉથી લિક થઈ ગયેલા બેરોજગારીના આંકડા નવી સરકાર રચાયા પછી સત્તાવાર રીતે જાહેર કરાયા હતા, જે મુજબ બેરોજગારીનો દર પણ છેલ્લા 45 વરસની સર્વોચ્ચ ઊંચાઈએ એટલે કે 6.1 ટકાએ પહોંચી ગયો છે.