દિગ્ગજ સાહિત્યકાર અને એક્ટર ગિરીશ કર્નાડનું લાંબી બીમારી બાદ નિધન

નવી દિલ્હીઃ વરિષ્ઠ અભિનેતા અને નાટ્યકાર ગિરીશ કર્નાડનું સોમવારે નિધન થયું છે. તેઓ 81 વર્ષના હતાં. ગિરીશ કર્નાડ લાંબા સમયથી બીમાર હતાં. જ્યારે તેમનું નિધન થયું ત્યારે તેઓ બેંગ્લુરુમાં હતાં. ગિરીશ કર્નાડના નિધનથી બોલિવુડમાં શોક વ્યાપી ગયો છે. તેમના નિધનના સમાચાર સાથે કલાજગતમાં શોકલહેર ફરી વળી હતી. કલાકારો સહિત રાજકીય મહાનુભાવો તેમ જ ચાહકો દ્વારા તેમના નિધન પર શોકસંદેશ વ્યાપી વળ્યાં છે.

ગિરીશ કર્નાડનો જન્મ 19 મે, 1938ના રોજ મહારાષ્ટ્રના માથેરાનમાં થયો હતો. તેમને ભારતના જાણીતા સમકાલીન લેખક, અભિનેતા, ફિલ્મ નિર્દેશક અને નાટ્યકારના તરીકે લોકો ઓળખતા હતા. 1960ના દાયકામાં યાયાતી (1961), ઐતિહાસિક નાટક તુગલક (1964) જેવા નાટકોમાં લોકોએ તેમને બહુ જ પસંદ કર્યા હતા. જ્યારે કે તેમના ત્રણ મહત્વપૂર્ણ કૃતિઓ હયવદના (1971), નગા મંડલા (1988) અને તલેડેંગા (1990)ને આંતરરાષ્ટ્રીય સરાહના મળી હતી. કર્નાડને પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. સલમાન ખાનની સુપરહીટ ફિલ્મ ‘એક થા ટાઈગર’ અને ‘ટાઈગર જિંદા હૈ’ તેમની હાલમાં જ આવેલ બોલિવુડ ફિલ્મો છે.

મોટા 2 પદ્મ સન્માનો સિવાય તેમને 1972માં સંગીત નાટક અકાદમી, 1994માં સાહિત્ય અકાદમી, 1998માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. તેમજ કન્નડ ફિલ્મ સંસ્કાર માટે તેમને બેસ્ટ ડાયરેક્ટર તરીકેનો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો. આ ઘટનાં બાદ સમગ્ર બોલિવૂડમાં અને કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં શોકનો માહોલ છે.

ગિરીશ કર્નાડની હિન્દીની સાથે સાથે કન્નડ અને અંગ્રેજી ભાષા પર પણ સારી પકડ હતી. 1974-75ના વર્ષમાં તેઓ FTII પૂણેના ડાયરેક્ટર પદ પર પણ કામ કરી ચૂક્યા છે. સાથે જ તેમણે સંગીત નાટક અકાદમી અને નેશનલ અકાદમી ઓફ પરર્ફોર્મિંગ આર્ટસના ચેરમેનનું પદ પણ સંભાળ્યુ હતું.