BJPની ટીમમાં જોડાયો ગૌતમ ગંભીર, નવી દિલ્હીથી ચૂંટણી લડે તેવી શક્યતા

નવી દિલ્હી- લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં તોડજોડનું રાજકારણ ચાલી રહ્યું છે, સાથે અનેક લોકો નેતા બનવા રાજકીય ક્ષેત્રમાં એન્ટ્રી કરી રહ્યાં છે. ત્યારે ક્રિકેટર ગૌતમ ગંભીર પણ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયો છે. તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લીધા બાદ હવે ગૌતમ ગંભીરે પોતાના કરિયરની બીજી ઈનિંગ સ્ટાર્ટ કરી છે. ગૌતમ ગંભીરે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ અને અરૂણ જેટલીની હાજરીમાં ભાજપનો ખેશ ધારણ કર્યો હતો. પાર્ટી ગંભીરને નવી દિલ્હી સંસદીય ક્ષેત્રથી ટિકીટ આપી શકે છે. આ સીટ પર મીનાક્ષી લેખી હાલ સાંસદ છે. જેમની ટિકીટ કાપીને ભાજપ ગૌતમ ગંભીરને ઈલેક્શન લડાવે તેવી શક્યતા છે.

ભાજપમાં જોડાવાની સાથે ગંભીરે કહ્યું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રભાવિત છું. હું વડાપ્રધાનની આશા પર ખરો ઉતરવાનો પ્રયાસ કરીશ. ઈલેક્શન લડશે કે નહીં તે બાબતે પૂછાતા અરુણ જેટલીએ કહ્યું કે, તેમના ચૂંટણી અંગે પાર્ટી નિર્ણય લેશે. જે પણ હશે તે અમે જાહેર કરીશું. હાલ તો તેઓ કાર્યકર તરીકે પક્ષની પ્રગતિ માટે કામ કરશે.

ગત વર્ષે ગંભીરે પ્રદૂષણના મુદ્દે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર નિશાન પણ સાધ્યું હતું. તેણે ટ્વીટર પર લખ્યું હતું કે તમારા ખોટા વાયદાના કારણે અમારી પેઢીઓ ધુમાડામાં જીવવા મજબૂર છે.

 

મહત્વનું છે કે, લોકસભા ચૂંટણી ટાણે ભાજપે મોટો દાવ રમ્યો છે કારણ કે ગૌતમ ગંભીર ક્રિકેટના કારણે અત્તિ લોકપ્રિય નામ છે. લોકસભા ચૂંટણીનો સમય છે ત્યારે ભાજપ દિલ્હીથી ગૌતમને મેદાનમાં ઉતારી શકે છે. જેનું કારણ એ છે કે ગંભીર દિલ્હીનો છે. ઉપરથી યુવાઓમાં પણ તે મોટું નામ ધરાવે છે. જેથી યુવા મતદારોને પણ ખેંચવામાં ગૌતમ ગંભીર ભાજપ માટે ફાયદાકારક નિવડશે.