ગૌરી લંકેશ મર્ડર કેસ: 3 શકમંદોના સ્કેચ જાહેર કરતી SIT

બેંગાલુરુ– વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશની હત્યા મામલે કર્ણાટક પોલીસની સ્પેશિયલ ટીમ તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજ અને મળેલી માહિતીના આધારે પોલીસે ત્રણ હત્યારાઓના સ્કેચ જારી કર્યા છે. સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમે જણાવ્યું કે, હત્યારાને પકડવા માટે પોલીસને લોકોના સહયોગની જરુર છે. જેથી અમે તેના સ્કેચ રજૂ કરી રહ્યા છીએ. તપાસ ટીમે શકમંદોનો એક વીડિયો પણ જારી કર્યો છે. જે તેમને ઈન્વેસ્ટિગેશન દરમિયાન મળ્યો હતો.

આપને જણાવી દઈએ કે, ગૌરી લંકેશના હત્યારાઓના સ્કેચ સીસીટીવી ફૂટેજના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. તપાસ ટીમના અધિકારીના જણાવ્યા પ્રમાણે હુમલાખોરો હત્યાના ઓછામાં ઓછા 7 દિવસ પહેલાથી શહેરમાં ફરતા હતા અને તેમણે ગૌરી લંકેશના ઘરની અને સોસાયટીની રેકી હોવાનું પણ પોલીસનું અનુમાન છે.

સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમના વડા બી.કે સિંહે જણાવ્યું કે, આ હત્યામાં બે લોકો પોલીસની શંકાના દાયરામાં છે. બંનેના સ્કેચ એકસરખા છે કારણકે તેમને જુદાજુદા લોકોએ આપેલા વર્ણનના આધારે બે  આર્ટિસ્ટ્સ દ્વારા સ્કેચ બનાવવામાં આવ્યા છે.

વધુમાં બી.કે. સિંહે જણાવ્યું કે, પોલીસે આ કેસના સંદર્ભમાં 250થી વધુ લોકોની તપાસ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, ગૌરી લંકેશ અને એમ.એમ. કલબુર્ગી બંનેની હત્યાના કેસમાં એક જ હથિયારનો ઉપયોગ થયો હતો તેવું કોઈ કનેક્શન જણાતું નથી. આ ઈન્ફર્મેશન ફક્ત મીડિયામાં જ છે. પોલીસ તરફથી અત્યાર સુધીમાં આ પ્રકારની કોઈ જ ઈન્ફર્મેશન રજૂ કરવામાં આવી નથી.