સરકારી બેન્કોના 74 ટકા ATMમાં છેતરપિંડીનું જોખમ, RBIએ આપી કડક સૂચના

0
1873

નવી દિલ્હી- સાર્વજનિક ક્ષેત્રોની બેન્કોના ઓટોમેટેડ ટેલર મશીન્સમાં (ATM) આઉટ ડેટેડ સોફ્ટવેર કાર્યરત છે. જેના લીધે લોકો સરળતાથી છેતરપિંડીનો શિકાર બની શકે છે. આ માહિતી ગત સપ્તાહે સંસદમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં જાહેર કરવામાં આવી છે.ભારતમાં હાલમાં 2 લાખથી વધુ ATM છે જેમાંથી લગભગ 70 ટકા વિન્ડોઝ XP સોફ્ટવેર પર કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના સોફ્ટવેરને ખુદ માઈક્રોસોફ્ટ કંપનીએ પણ વર્ષ 2014થી સપોર્ટ કરવાનું બંધ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગત જૂન મહિનામાં રિઝર્વ બેન્કે તમામ બેન્કોને સૂચના આપી હતી કે, જૂન-2019 સુધીમાં તેમના તમામ ATM અપગ્રેડ કરે. જો આમ કરવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

રિઝર્વ બેન્ક દ્વારા બેન્કોને જણાવવામાં આવ્યું હતું કે, તેઓ તબક્કાવાર રીતે જૂન-2019 સુધીમાં ઓપરેટિંગ સિસ્ટમનું વર્ઝન અપગ્રેડ કરે અને આ વર્ષના ઓગસ્ટ સુધીમાં સલામતીના અન્ય તમામ પગલાં લેવાની કાર્યવાહી પૂર્ણ કરે. રિઝર્વ બેન્કે વધુમાં જણાવ્યું કે, આ પ્રકારની લાપરવાહીથી ગ્રાહકોના હિતોને નુકસાન પહોંચે છે.