ચીન સરહદે રેલવે લાઈનનો પ્રોજેક્ટ 2 વર્ષથી મંજૂર, ફંડના અભાવે કામ અટક્યું

નવી દિલ્હી- ભારત ચીન સરહદે સુરક્ષાના દ્રષ્ટિકોણથી ઘણી મહત્વની અને જરુરી અનેક રેલવે લાઈન માટે ભારત સરકાર ફંડ ભેગું કરી શકી નથી. આ પ્રોજેક્ટને બે વર્ષ પહેલાં કેબિનેટની મંજૂરી મળી ગઈ હોવા છતાં, આશરે 2.1 લાખ કરોડ રુપિયાના મસમોટા ભંડોળની જરુરિયાત હોવાથી આ પ્રોજેક્ટ હાલમાં શરુ થવો અશક્ય લાગી રહ્યો છે.એક અંગ્રેજી અખબારમાં જણાવ્યા મુજબ સુરક્ષા મામલાની મંત્રીમંડળની સમિતિએ ડિસેમ્બર-2015માં આ પ્રોજેક્ટ અંતર્ગત ચાર પ્રાથમિકતાવાળી રેલવે લાઈનને મંજૂરી આપી હતી. જેને લઈને રેલવે દ્વારા હાલમાં ફાઈનલ લોકેશન સર્વે પણ કરવામાં આવી રહ્યો છે. જેમાં 378 કિમી લાંબી મિસામારી-તેંગા-તવાંગ લાઈન, 498 કિમી લાંબી બિલાસપુર-મનાલી-લેહ લાઈન, 227 કિમી લાંબી પસિઘાટ-તેજૂ-રુપાઈ લાઈન અને 249 કિમી લાંબી ઉત્તર લખીમપુર-બામે-સિલાપત્થર રેલવે લાઈનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રક્ષામંત્રાલયે જાન્યુઆરી-2010માં સરહદી વિસ્તારોમાં કુલ 28 રેલ માર્ગોના નિર્માણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હતી. જેમાંથી 14 રેલમાર્ગોને ટેક્ટિકલ અને તેમાંથી 4ને પ્રાથમિક રેલમાર્ગ નિર્ધારિત કરવામાં આવ્યા હતા. 14 રેલ માર્ગો માટે પ્રારંભિક સર્વે પણ કરી લેવામાં આવ્યો છે. પણ હવે ફંડના અભાવે આ રાષ્ટ્રીય પ્રોજેક્ટ ઉપર વધુ કોઈ કામ કરવામાં આવ્યું નથી.

આપને જણાવી દઈએ કે, આ રેલવે લાઈન હિમાલય પર્વતમાળામાં ઘણી ઉંચાઈ પર અને દુર્ગમ વિસ્તારોમાં નિર્માણ પામશે. જેથી તેના નિર્માણ પહેલાં પુરતા અભ્યાસ અને સર્વેની જરુર પડે તે સ્વાભાવિક છે. સાથે જ તેમાં આર્થિક ખર્ચ પણ ઘણો આવશે. બિલાસપુર-મનાલી-લેહ કોરિડોર તૈયાર થયા બાદ તે વિશ્વનો સૌથી ઉંચો રેલમાર્ગ હશે. અને ભારત ચીનના કિંઘઈ-તિબેટ રેલમાર્ગને પછાડી સૌથી ઉંચો રેલ માર્ગ તૈયાર કરશે.