RSS નેતાનું નિવેદન, પાર્રિકર ભાજપની મજબૂરી

પણજી- ગોવાના સીએમ મનોહર પાર્રિકરના બિમાર થયા બાદ ત્યાંની રાજકીય સ્થિતિ ઠીક નથી જણાઈ રહી. રાજ્યમાં ભાજપની જૂની સહયોગી પાર્ટી મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટી સીએમ પાર્રિકરના સંપૂર્ણ સ્વસ્થ થવા સુધી તેમના રિપ્લેસમેન્ટ લાવવા પર ભાર મુકી રહી છે. આ સમયમાં ગોવા RSSના ચીફ રહેલા સુભાષ વેલિંગકરના એક નિવેદને ભાજપની મુશ્કેલી વધારી દીધી છે.વેલિંગકરે કહ્યું કે, ભાજપના ટોચના નેતાઓ મનોહર પાર્રિકરને કામ પર પરત ફરવા દબાણ કરી રહ્યાં છે. અને આ કારણે તેમની તબિયત વધુ ખરાબ થઈ રહી છે. પણજીમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, આ ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે.

વધુમાં વેલિંગકરે કહ્યું કે, ભાજપ ગોવામાં તેમની સ્થિતિ કોઈ પણ ભોગે મજબૂત રાખવા ઈચ્છે છે, જેથી મનોહર પાર્રિકરને ઓફિસ પરત ફરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. જેથી તેમની તબિયત ખરાબ થઈ રહી છે. સુભાષ વેલિંગકરે કહ્યું કે, ભાજપે ગોવા માટે સીએમનો વિકલ્પ ગોતવો જોઈએ. આ રીતે ગોવા સરકાર વધુ દિવસ ચાલી શકે નહીં.

બીજી તરફ ગોવા ભાજપના પ્રમુખ વિનય તેંડુલકરે વેલિંગકરના નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું છે. વિનય તેંડુલકરે જણાવ્યું કે, પાર્ટી હાઈ કમાન મનોહર પાર્રિકરને કામ પર પરત ફરવા કોઈ દબાણ નથી કરી રહ્યું. તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેઓ નવેમ્બર મહિનાથી સીએમ ઓફિસમાં ચાર્જ સંભાળશે.