તો સરહદ પાર કરી શકે છે ભારતીય સેના: કેન્દ્રીય ગૃહપ્રધાન

નવી દિલ્હી- મુંબઈમાં વર્ષ 2008માં હુમલાના માસ્ટર માઈન્ડ આતંકી હાફિઝ સઈદને પાકિસ્તાન દ્વારા રાજકીય માન્યતા આપવાની કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે કડક આલોચના કરી છે. વધુમાં રાજનાથ સિંહે કહ્યું કે, દેશની અખંડતા સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે અને જરુર જણાશે ત્યારે સેના સરહદ પાર કરીને પણ હુમલો કરશે.રાજનાથ સિંહે કહ્યું કે, જમ્મુ-કશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. જેની સાથે કોઈ સમાધાન કરી શકાય નહીં. મોદી સરકાર કશ્મીર સમસ્યાના સ્થાયી સમાધાન માટે પ્રયાસ કરી રહી છે. અને તેના માટે કોઈ પણ પક્ષ સાથે ચર્ચા કરવા તૈયાર છે. એક ટીવી ચેનલના કાર્યક્રમમાં રાજનાથ સિંહે કહ્યું કે, અમે દેશની આંતરિક સુરક્ષા અંગે તો ચિંતા કરીએ જ છીએ પરંતુ સરહદની સુરક્ષા માટે જરુર જણાશે તો ભારતીય સેના પણ બોર્ડર ક્રોસ કરવા સ્વતંત્ર છે.

આપને જણાવી દઈએ કે, સપ્ટેમ્બર-2016માં ભારતીય સેનાએ લાઈન ઓફ કન્ટ્રોલ પાર કરીને PoK સ્થિત આતંકી લૉન્ચ પેડ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી અને આતંકીઓને મોટાપાયે નુકસાન પહોંચાડ્યું હતું. કેન્દ્રીય ગૃહપ્રધાને કહ્યું કે, ભારત હમેશાથી પાકિસ્તાન સાથે મિત્રાનો હાથ લંબાવતું રહ્યું છે. પરંતુ પાકિસ્તાનને મિત્રતા પસંદ નથી અને તે આતંકવાદનો સહારો લેતું રહ્યું છે. જેનું વધુ એક ઉદાહરણ પાકિસ્તાને હાફિઝ સઈદની પાર્ટીને રાજકીય માન્યતા આપીને દર્શાવ્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે, પીએમ મોદી આતંકવાદ વિરુદ્ધની લડાઈને આંતરરાષ્ટ્રીય મંચ પર પહોંચાડવામાં સફળ અને ભારતનો પક્ષ રજૂ કરવામાં સફળ રહ્યાં છે.