અસમથી પાંચ વધુ રોહિંગ્યા મુસ્લિમોને મ્યાંમાર પાછા મોકલાયા

અસમઃ એક રોહિંગ્યા પરિવારના પાંચ સભ્યોને મ્યાંમાર પાછા મોકલવામાં આવ્યા છે. અધિકારીઓએ ત્રણ મહિના પહેલા પણ સાત અન્ય રોહિંગ્યા લોકોને પાડોશી દેશમાં પાછા મોકલ્યા હતા. અસમના એક પોલિસ અધિકારીએ આ મામલે જણાવ્યું કે આ લોકોને મણિપુરમાં આંતરરાષ્ટ્રીય સીમા પર મ્યાંમારના અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા છે.

અધિકારીએ જણાવ્યું કે આમને યાત્રા દસ્તાવેજ વગર પાંચ વર્ષ પહેલા પકડવામાં આવ્યા હતા અને આમના પર વિદેશી કાયદાનું ઉલ્લંઘન કરવાનો મામલો નોંધવામાં આવ્યો હતો. આ લોકો જેલની સજા પૂર્ણ કર્યા બાદ જેતપુરમાં બંધ હતા. આમને પોલીસ એક બસથી મ્યાંમાર સીમા સુધી લઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કેન્દ્રની એનડીએ સરકાર રોહિંગ્યા મુસલમાનોને અવૈધ પ્રવાસી માને છે અને દેશની સુરક્ષા માટે તેમને ખતરા સ્વરુપે જોવામાં આવે છે. સરકારે આદેશ આપ્યો છે કે રોહિંગ્યા સમુદાયના ભારતમાં ખોટી રીતે રહી રહેલા હજારો લોકોની ઓળખ કરવામાં આવે અને પાછા મોકલવામાં આવે.

ગત વર્ષે ઓક્ટોબરમાં ભારતે પહેલીવાર સાત રોહિંગ્યા પુરુષોને પાછા મ્યાંમાર મોકલ્યા હતા, જે શરણાર્થી શિબિરોમાં રોકાયા હતા. જો કે એ વાત નથી સામે આવી કે મ્યાંમાર પાછા મોકલવામાં આવેલા લોકો કઈ હાલતમાં છે. ભારત સરકારનું અનુમાન છે કે અહીંયા આશરે 40,000 રોહિંગ્યા વિભિન્ન ભાગમાં શિબિરોમાં રહી રહ્યા છે.

ગઈકાલે જે પરિવારને પાછો મોકલવામાં આવ્યો તેમાં પતિ-પત્ની અને તેમના ત્રણ બાળકો છે. તેમને વર્ષ 2014માં અસમથી પકડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે અસમની જેલમાં આશરે 20 અન્ય આવા મ્યાંમારના નાગરિકો છે જેમને ભારતમાં ખોટી રીતે પ્રવેશ કરવા માટે પકડવામાં આવ્યા છે. જો કે એ સ્પષ્ટ નથી થયું કે તે તમામ લોકો રોહિંગ્યા છે કે નથી.