નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે ED એજન્સીએ કોર્ટ પાસે પરવાનગી માગી

મુંબઈ – પંજાબ નેશનલ બેન્ક સાથે લોન મામલે કરાયેલી કરોડો રૂપિયાની છેતરપીંડીને લગતા મની લોન્ડરિંગ એક કેસના સંબંધમાં ડીઝાઈનર ડાયમંડ જ્વેલર નીરવ મોદીનું પ્રત્યાર્પણ મેળવવા માટેની પ્રક્રિયા શરૂ કરવા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) એજન્સીએ આજે મુંબઈમાં એક સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી છે.

ઈડી એજન્સીએ બ્રિટન, બેલ્જિયમ તેમજ બીજા અમુક દેશોમાંથી નીરવ મોદીનું પ્રત્યાર્પણ કરાવવા માટે કોર્ટ પાસે પરવાનગી માગી હોવાનું કહેવાય છે.

પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નીરવ મોદી તથા એમના પરિવાર સામે ઈડી એજન્સીએ તાજેતરમાં નોંધાવેલા આરોપનામાના આધારે પ્રત્યાર્પણ કરાવવા માટે કોર્ટ પાસે પરવાનગી માગી છે.

આરોપનામું નોંધાવાયા બાદ મુંબઈની કોર્ટે નીરવ મોદી સામે ગયા અઠવાડિયે બિન-જામીનપાત્ર અરેસ્ટ વોરંટ ઈસ્યૂ કર્યું હતું.

અધિકારીઓના જણાવ્યા મુજબ, નીરવ મોદી એમનું લોકેશન દુનિયાભરમાં સતત બદલતા રહે છે. તેથી પ્રત્યાર્પણ માટેની વિનંતી એક કરતાં વધારે દેશોને કરવામાં આવી છે.