EVM હેકિંગનો દાવો સાબિત નહીં થાય તો 6 મહિનાની જેલ થશે

0
2080

બેંગ્લોરઃ ચૂંટણી વચ્ચે ઈવીએમ મશીનોને લઈને ફેલાઈ રહેલી અફવાઓ વચ્ચે હવે ચૂંટણી આયોગે કડક વલણ અપનાવ્યું છે. વિધાનસભા ચૂંટણી પહેલા કર્ણાટક ચૂંટણી આયોગે કહ્યું છે કે ઈવીએમ મશીનોની સાથે છેડછાડ કરવી શક્ય નથી. આમ છતા પણ જો કોઈ આના પર સવાલ ઉઠાવે છે તે તેણે તે વાત સાબિત પણ કરવી પડશે. આયોગે જણાવ્યું છે કે જો સવાલ ઉઠાવનારા વ્યક્તિ સાબિતી આપવામાં નિષ્ફળ જાય છે તો પછી તેના પર માનહાનિનો દાવો કરવાની સાથે જ છ મહિનાની જેલની સજા કરવાની પણ તૈયારી છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સંજીવ કુમારે જણાવ્યું કે દરેક વ્યક્તિને ઈવીએમ અથવા તો વીવીપેટની વિશ્વસનીયતા અંગે સવાલ કરવાનો અધિકાર છે. પરંતુ કોઈ વ્યક્તિ ઈવીએમ પર પોતે લગાવેલા આરોપો સાબિત ન કરી શકે તો તેને છ મહિનાની જેલની સજા ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.

વધુમાં ચૂંટણી અધીકારીએ જણાવ્યું કે ઈવીએમ અથવા તો વીવીપેટ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ કરવી શક્ય નથી. કેટલાક માધ્યમો આને લઈને સમાજમાં ખોટી ભ્રાંતી ફેલાવી રહ્યા છે. ચૂંટણી આયોગ આ મુદ્દાને એક ગંભીર મુદ્દા તરીકે જોઈ રહ્યું છે. જો કોઈપણ પ્રકારની ખોટી વાતો ફેલાવવામાં આવશે તો ચૂંટણી આયોગ અપરાધિક માનહાનિનો મુદ્દો પણ દાખલ કરી શકે છે.