લોકસભા ચૂંટણીના રાઉન્ડ-4માં અંદાજે 64 ટકા વોટિંગ થયું

નવી દિલ્હી – અનેક સપ્તાહોના વ્યસ્તતાભર્યા ચૂંટણીપ્રચાર બાદ 943 ઉમેદવારોનું ચૂંટણીભાવિ આજે ઈવીએમ મશીનોમાં કેદ થઈ ગયું છે, કારણ કે 9 રાજ્યોના 72 મતવિસ્તારોમાં આજે લોકો મતદાન કર્યું છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયા બાદ સાંજે 6 વાગ્યે પૂરું થયું હતું. અંદાજ મુજબ આ ચરણમાં 64 ટકા મતદાન થયું છે. મતદાન એકંદરે શાંતિપૂર્વક રીતે પાર પડી ગયું છે.

મહારાષ્ટ્રમાં મુંબઈની 6 સીટ સહિત કુલ 17 બેઠકો માટે મતદાન થયું હતું જ્યારે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં 13-13, પશ્ચિમ બંગાળમાં 8, મધ્ય પ્રદેશ અને ઓડિશામાં 6-6, બિહારમાં પાંચ અને ઝારખંડમાં 3 સીટ માટે મતદાન થયું છે. મહારાષ્ટ્રમાં મતદાનનો આ ચોથો અને આખરી રાઉન્ડ હતો.

આ 71 લોકસભા મતવિસ્તારોની સાથે જમ્મુ અને કશ્મીરના અનંતનાગ જિલ્લામાં પણ મતદાન યોજાયું હતું.

આજે જે 72 સીટ માટે મતદાન થયું હતું એમાંની 44 સીટ પર ભાજપ સત્તા પર છે જ્યારે શિવસેના 9, બિજુ જનતા દળ તથા તૃણમુલ કોંગ્રેસ 6-6, કોંગ્રેસ 3, લોક જનશક્તિ પાર્ટી બે તથા સમાજવાદી પાર્ટી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી 1-1 સીટ પર સત્તા પર છે. ભાજપ અને તેના મિત્ર પક્ષોએ 2014ની ચૂંટણીમાં આ 72માંથી 56 સીટ પર જીત મેળવી હતી.

ચોથા રાઉન્ડ માટે 12 કરોડ 79 લાખ મતદારો નોંધાયા હતા. આ રાઉન્ડના ચૂંટણીજંગમાં 943 ઉમેદવારો ઉતર્યાં છે. મતદાન પ્રક્રિયા સરળતાપૂર્વક પાર પડે એ માટે ચૂંટણી પંચે 1 લાખ 40 હજાર પોલિંગ બૂથ ઊભાં કર્યાં હતા. તમામ સ્થળોએ પોલીસ બંદોબસ્ત કડક રાખવામાં આવ્યો હતો.

પહેલા ત્રણ તબક્કામાં, લોકસભાની 302 સીટ પર મતદાન યોજવામાં આવ્યું હતું. પાંચ, છ અને સાતમા રાઉન્ડમાં વધુ 168 બેઠકો માટે મતદાન થશે.

લોકસભાની કુલ 543 બેઠકોમાંથી 542 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. તામિલનાડુમાં વેલ્લોર મતવિસ્તારમાં નાણાંના દુરુપયોગના કારણે ચૂંટણી પંચે ત્યાં ચૂંટણી રદ કરી છે.

મતગણતરી 23 મેએ કરાશે અને પરિણામ પણ એ જ દિવસે જાહેર કરાશે.

સાંજે 6 વાગ્યે મતદાનનો સમય સત્તાવાર રીતે પૂરો થયો ત્યારે મતદાનની કામચલાઉ ટકાવારી આ મુજબ રહી હતી…

બિહાર – 58.92%

મહારાષ્ટ્ર – 58.23

જમ્મુ અને કશ્મીર – 10.05

મધ્ય પ્રદેશ – 65.77

ઓડિશા – 68

રાજસ્થાન – 64.5

ઉત્તર પ્રદેશ – 57.58

પશ્ચિમ બંગાળ – 76.44

ઝારખંડ – 63.39%

પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન એક હિંસક ઘટના સામે આવી છે. બંગાળના આસનસોલમાં કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોની કામ પર કેટલાક લોકોએ હુમલો કર્યો, જેનાથી તેમની ગાડીનો કાચ તુટી ગયો. જો કે આ હુમલામાં બાબુલ સુપ્રિયોને કોઈ નુકસાન થયું નથી. આસનસોલમાં બાબુલ સુપ્રિયો સામે ટીએમસીના ઉમેદવાર મુનમુન મેદાને છે. સુપ્રિયોએ ટીએમસી પર હિંસા કરવાનો આરોપ લગાવ્યો છે.

તો બીજીતરફ આસનસોલના જેમુઆમાં એક પોલિંગ બૂથ પર લોકોએ વોટ આપવાનો ઈનકાર કરી દીધો. કારણ કે ત્યાં સુરક્ષા વ્યવસ્થા નહોતી. તો કેટલાક બુથો પર ટીએમસી કાર્યકર્તાઓ અને સુરક્ષા દળો વચ્ચે ઝપાઝપીના સમાચારો પણ સામે આવ્યા છે.

બાબુલ સુપ્રિયોએ સીએમ મમતા બેનર્જીનો ઉલ્લેખ કરીને ટીએમસી કાર્યકર્તાઓ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સુપ્રિયોએ કહ્યું કે ચૂંટણીમાં ગડબડી કરવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. સતત ચાર ચરણોમાં થઈ રહેલી હિંસાની ફરિયાદ બીજેપી ચૂંટણી આયોગને કરશે. મુખ્તાર અબ્બાસ નકવીના નેતૃત્વમાં બીજેપીના પ્રતિનિધિ મંડળમાં બીજેપીના વિજય ગોયલ અને અનિલ બલૂની પણ હશે.