રાજ્યસભાની 58 બેઠકો માટે 23 માર્ચે ચૂંટણી, ગુજરાતની 4 બેઠકો માટે યોજાશે મતદાન

નવી દિલ્હી– ચૂંટણી પંચે રાજ્યસભાની 58 બેઠકો માટે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આગામી એપ્રિલ અને મે મહિનામા ખાલી પડનારી રાજ્યસભાની 58 બેઠકો માટે 23 માર્ચે મતદાન યોજાશે. ચૂંટણી પંચે શુક્રવારે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી.ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ અનુસાર સંસદના ઉચ્ચ સદનમાં 16 રાજ્યની ખાલી પડનારી 58 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા 5 માર્ચે ચૂંટણી પંચના જાહેરનામા સાથે શરૂ થઈ જશે. આ બેઠકો પર ચૂંટણી માટે મતદાન 23 માર્ચે થશે, અને તે દિવસે જ મતગણતરી યોજાશે.

ચૂંટણી પંચે આપેલી માહિતી અનુસાર 13 રાજ્યોના રાજ્યસભાના 50 સાંસદોનો કાર્યકાશ બીજી એપ્રિલે અને બે રાજ્યોના રાજ્યસભાના 6 સાંસદોનો કાર્યકાળ 3 એપ્રિલે પુરો થઈ રહ્યો છે. તેમજ મહારાષ્ટ્ર અને બિહારમાંથી 6-6, મધ્યપ્રદેશ અને પશ્રિમ બંગાળમાંથી 5-5 તથા ગુજરાત અને કર્ણાટકથી 4-4 સાંસદોનો કાર્યકાળ પણ એ જ દિવસે પુરો થાય છે.

ચૂંટણીના કાર્યક્રમ મુજબ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 માર્ચ નક્કી કરાઈ છે, અને ઉમેદવારી ફોર્મની તપાસ 13 માર્ચે થશે, ઉમેદવારી ફોર્મ પાછુ ખેંચવાની અંતિમ તારીખ 15 માર્ચ છે. મતદાન 23 માર્ચે સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી નક્કી થશે. તેમજ સાંજ 5 વાગ્યે મતગણતરી થશે.

ગુજરાતની 4 બેઠકો માટે ચૂંટણી

ગુજરાતની 4 બેઠકો માટે પણ 23 માર્ચે મતદાન યોજાશે. રાજ્યસભામાં 5 વર્ષ પૂર્ણ કરી નિવૃત થતાં 4 સભ્યોની ચૂંટણી આવી રહી છે. જેમાં અરુણ જેટલી, શંકર વેગડ, મનસુખ માંડવિયા અને પુરષોતમ રુપાલાનો સમાવેશ થાય છે. અરુણ જેટલીની ઉમેદવારી નિશ્રિત છે, જ્યારે અન્ય 3 ઉમેદવારો ભાજપ પાર્ટી નક્કી કરશે.