ચૂંટણી પંચની સર્વપક્ષીય બેઠકમાં બેલેટ પેપરના મુદ્દે કોંગ્રેસ એકલી પડી

0
1689

નવી દિલ્હી- દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાને મુદ્દે ચૂંટણી પંચે આજે તમામ પક્ષની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ચૂંટણી પંચે આગામી વિધાનસભાની ચૂંટણી, લોકસભાની ચૂંટણી સહિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં ઘણા રાજકીય પક્ષોએ EVMનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.બેઠકમાં કોંગ્રેસ પાર્ટીએ માગણી કરી હતી કે, ચૂંટણીમાં આશરે 30 ટકા VVPATનો ઉપયોગ કરવો જોઇએ. જ્યારે આમ આદમી પાર્ટીએ આ અંગે 20 ટકાની માગ રાખવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીએ માગણી કરી હતી કે, મતદાન બાદ સ્ક્રીન પર વિઝિબલિટીમાં વધારો કરવો જોઈએ.

ચૂંટણી પંચની સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું કે, ચૂંટણી બેલેટ પેપરથી કરવામાં આવે. જોકે ઘણા પક્ષોએ કહ્યું કે, ચૂંટણીમાં હવે ગણતરીના મહિનાનો સમય બાકી રહ્યો હોવાથી આ અંગેની શક્યતાઓ નહીંવત રહે છે. જેથી કહી શકાય કે, સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ એકલી જોવા મળી હતી.

કોંગ્રેસ પાર્ટીના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાર્ટી આ મુદ્દે અનેક સલાહ પણ આપી શકે છે. જેમકે VVPATનો ઉપયોગ મહત્તમ કરવો જોઈએ. ઉપરાંત મતદાન મશીનમાં મત આપવાનો સમય સાતને બદલે દસ સેકન્ડ અથવા તેનાથી પણ વધારે કરવો જોઈએ.

ચૂંટણી પંચના પ્રવક્તાના જણાવ્યા મુજબ, સર્વપક્ષીય બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર ઓમપ્રકાશ રાવત સહિત અન્ય બન્ને કમિશનર અને ચૂંટણી પંચના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.