અગસ્ટા વેસ્ટલેન્ડ મામલો: ઈડીની ચાર્જશીટમાં અહેમદ પટેલ અને કોઈ ‘શ્રીમતી ગાંધી’નું નામ

નવી દિલ્હી- અગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર ડીલ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) તરફથી ગુરુવારે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જેમાં અહેમદ પટેલ અને કોઈ શ્રીમતી ગાંધીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચાર્જશીટ આ ડીલના મુખ્ય આરોપી મિશેલ સામે દાખલ કરવામાં આવી છે. ઈડીએ જણાવ્યું કે, પુછપરછ દરમિયાન મિશેલએ ‘એપી‘ અને ‘ફેમ‘નો ઉલ્લેખ કર્યો જેમાં એપીનો અર્થ થાય અહેમદ પટેલ અને ફેમનો મતલબ ફેમિલી છે. ઈડીને જે ડાયરી મળી છે, તેમાં એપી અને ફેમ કોડવર્ડની રીતે લખવામાં આવ્યાં છે. 52 પેજની ચાર્જશીટ અને તેમની સાથે 3 હજાર પેજની પૂરક ચાર્જશીટમાં ત્રણ નવા નામ પણ સામે આવ્યાં છે. જેમાં મિશેલનો બિજનેસ પાર્ટનર ડિવેડ સેમ અને અન્ય બે કંપનીઓ છે.

ચાર્જશીટમાં આરોપ લગાવ્યો છે કે, મિશેલે તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહ પર દબાણ કરવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનો ઉપયોગ કર્યો હતો.

આરોપપત્રમાં કહેવામાં આવ્યું છે કે, બજેટ પત્ર અનુસાર દેશભરમાં વીવીઆઈપીની સવારી માટે હેલિકોપ્ટરની ખરીદી માટે ડીલને અગસ્ટા વેસ્ટલેન્ડના પક્ષમાં કરવા માટે વાયુ સેનાના અધિકારીઓ, અન્ય અધિકારીઓ અને રાજનેતાઓને ત્રણ કરોડ યુરોની ચૂકવણી કરવામાં આવી હતી. ઈડીએ કહ્યું કે, લાંચ મેળવનારમાં ઘણી બધી કક્ષાના લોકો સામેલ છે, જેમાં વાયુ સેનાના અધિકારી, સંરક્ષણ મંત્રાલયના ઓફિસરો સહિત અધિકારીઓ અને તત્કાલિન સત્તાધારી પાર્ટીના પ્રમુખ નેતા હતાં. મિશેલના અનુસાર એપીનો મતલબ અહેમદ પટેલ અને ફેમનો મતલબ પરિવાર છે.