દિલ્હી: 17 હજાર વૃક્ષ કાપવા પર હાઈકોર્ટે લગાવી રોક, 4 જુલાઈએ વધુ સુનાવણી

નવી દિલ્હી- દક્ષિણ દિલ્હી વિસ્તારમાં 7 રહેણાંક કોલોનીના નિર્માણ માટે 17 હજાર વૃક્ષ કાપવાના સરકારના નિર્ણય પર દિલ્હી હાઈકોર્ટે રોક લગાવી છે. આ અંગે વધુ સુનાવણી માટે કોર્ટે 4 જુલાઈની તારીખ નક્કી કરી છે. આપને જણાવી દઈએ કે, બહુમાળી એપાર્ટમેન્ટ્સ અને કોલોનીના બાંધકામ માટે વૃક્ષ કાપવાનો વિરોધ રસ્તાથી લઈને સોશિયલ મીડિયામાં પણ થઈ રહ્યો છે. આ મામલે રાજકીય ચર્ચા અને આક્ષેપોનો દોર ચાલુ થઈ ગયો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ આ મામલે સુનાવણી 2 જુલાઈએ કરશે.આ અંગે દિલ્હી હાઈકોર્ટે રાષ્ટ્રીય ભવન નિર્માણ નિગમને (NBCC) પૂછ્યું કે, ‘શું વિકાસનાં કાર્યો અને રસ્તાના બાંધકામ માટે વૃક્ષોને કાપી નાખવાની કીમત દિલ્હી ચુકવી શકશે ખરું? 2 જુલાઈ સુધી હવે કોઈ વધુ વૃક્ષ કાપવા જોઈએ નહીં. આ કેસની વધુ સુનાવણી 4 જુલાઈના રોજ કરવામાં આવશે.

ગ્રીન સર્કલમાં કાર્યરત કે.વી. સિલ્વરાજનના જણાવ્યા મુજબ આ ખરેખર ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. અમે વૃક્ષોને બચાવવા માટે ઘણાં વર્ષોથી કામ કરી રહ્યા છીએ. અમને ખબર છે કે, એક છોડને ઉછેરીને વૃક્ષ બનવામાં કેટલો સમય લાગે છે, કેટલી માવજત લાગે છે અને કેટલું પાણી વપરાય છે.

એકસાથે 17 હજાર વૃક્ષ કાપવાનો અર્થ એ થયો કે, આગામી ઘણાં વર્ષો સુધી દિલ્હીમાં મોટી માત્રામાં ઓક્સિજન છીનવાઇ જશે. ગ્રીન સર્કલ એનજીઓના જણાવ્યા મુજબ એક વૃક્ષ એક વર્ષમાં 260 પાઉન્ડ એટલે કે, 118 કિલો ઓક્સિજન આપે છે. બે મોટાં વૃક્ષ ચાર લોકોના પરિવારને આખી જિંદગી ચાલે તેટલો ઓક્સિજન આપવા માટે પૂરતાં છે.