અમે ઈચ્છીએ કે પેટ્રોલિયમ પદાર્થોનો GSTમાં સમાવેશ કરવામાં આવે: ધર્મેન્દ્ર પ્રધાન

નવી દિલ્હી- કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે, પેટ્રોલિયમ મંત્રાલય ઈચ્છે છે કે, પેટ્રોલિયમ પદાર્થોને GSTમાં સમાવી લેવામાં આવે. ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, પેટ્રોલિયમ પેદાશોના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર સાથે સંકળાયેલા હોવાથી તેના ઉપર નિર્ભર રહેવું પડે છે.ભારત તેના વપરાશનું 60 ટકાથી વધારે ક્રુડ આયાત કરે છે. અને હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમનો ભાવ સતત વધી રહ્યો છે, જેની અસર ભારતની માર્કેટમાં પણ જોવા મળી છે. વધુમાં પેટ્રોલિયમ પ્રધાને જણાવ્યું કે, માર્ચ મહિનામાં પેટ્રોલિયમ પેદાશના ભાવ ઓછા થયા હતા પણ ત્યારબાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં ઉછાળો આવવાને કારણે પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં વધારો થયો છે.

ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, પેટ્રોલિયમ મંત્રાલય GST કાઉન્સિલને આ અંગે અનેકવાર અનુરોધ કરી ચુક્યું છે. GST કાઉન્સિલ આ વિષય ઉપર ધ્યાન આપે અને પેટ્રોલિયમ પદાર્થોને પણ ધીરેધીરે GSTના માળખામાં સમાવેશ કરે.