રામ મંદિરના પક્ષધર શિયા વક્ફ બોર્ડના ચીફની હત્યા કરાવવા ઈચ્છે છે દાઉદ

લખનઉ- દિલ્હી પોલીસે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ ગેંગના ત્રણ સાગરિતોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, આ ત્રણેય શકમંદ લોકો ઉત્તરપ્રદેશ શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીની હત્યાનું ષડયંત્ર બનાવી રહ્યાં હતાં. દિલ્હી પોલીસે ત્રણેય આરોપીઓની ઉત્તરપ્રદેશના બુલંદ શહેરથી ધરપકડ કરી છે.પુછપરછમાં જાણવા મળ્યું કે, આ ત્રણેય આરોપી દેશમાં સાંપ્રદાયિક સદભાવ બગાડવાના ઈરાદે કામ કરી રહ્યાં હતાં. જેના માટે દાઉદ ઈબ્રાહિમ ગેંગ તરફથી તેમને આદેશ આપવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ આરોપીઓની વધુ પુછપરછ કરી રહી છે.

મહત્વનું છે કે, ઉત્તરપ્રદેશ શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવી તેના સ્પષ્ટ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. રિઝવી અયોધ્યામાં રામ મંદિર બનાવવાની પણ તરફેણ કરી ચુક્યાં છે. વસીમ રિઝવીએ સૂચન આપતા જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવે અને મસ્જિદનું નિર્માણ અયોધ્યાથી દૂર કરવામાં આવે જેથી સૌહાર્દપૂર્ણ વાતાવરણનું નિર્માણ કરી શકાય.

ઉલ્લેખનીય છે કે, મુંબઈ બ્લાસ્ટની ઘટના બાદથી દાઉદ ઈબ્રાહિમ ભારત છોડીને ભાગી ગયો છે. ત્યારથી માનવામાં આવી રહ્યું છે કે, દાઉદ પાકિસ્તાનમાં છુપાયો છે અને પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISIએ તેને આશ્રય આપ્યો છે. ISIના ઈશારે જ દાઉદ ભારતમાં આતંકી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. હવે તેના ત્રણ સાગરિતો પકડાયા બાદ દાઉદ ઈબ્રાહિમ ભારતમાં ફરી એકવાર સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાનું કામ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે.