હાઈકોર્ટે દિલ્હી મેટ્રોના કર્મચારીઓની હડતાળ સ્થગિત કરાવી દેતાં લોકોને રાહત

નવી દિલ્હી – દિલ્હી શહેરના લોકોને શહેરની હાઈકોર્ટ તરફથી ગઈ કાલે સાંજે મોટી રાહત પ્રાપ્ત થઈ હતી. દિલ્હી હાઈકોર્ટે દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશનના નોન-કમિશન્ડ સ્ટાફના સભ્યોને શનિવાર મધરાતથી હડતાળ પર જતા રોકી દીધા હતા. તેથી દિલ્હી મેટ્રો સેવા ઠપ થઈ નથી અને ચાલુ રહી છે.

હાઈકોર્ટે કહ્યું છે કે કર્મચારીઓની વાજબી માગણીઓનો સ્વીકાર થવો જોઈએ, પરંતુ એને માટે દિલ્હી મેટ્રોના સરળતાભર્યા કામકાજ સાથે બાંધછોડ કરી શકાય નહીં. ડીએમઆરસી દરરોજ લગભગ 25 લાખ લોકોને સેવા પ્રદાન કરે છે તેથી હડતાળ માટે કર્મચારીઓએ પર્યાપ્ત નોટિસ આપી નથી અને સમાધાનના પ્રયાસો હજી ચાલુ છે. અને એનસીઆરના રહેવાસીઓ માટે માઠા સમાચાર છે. અહીંના લોકોની લાઈફલાઈન ગણાતી મેટ્રો રેલ સેવા આજથી અનિશ્ચિત મુદત માટે ઠપ થઈ શકે છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના (DMRC) હજારો કર્મચારીઓ તેમની પડતર માગણીઓ નહીં સ્વીકારવાને કારણે આજથી હડતાળ પર જઈ રહ્યા છે.અગાઉના અહેવાલ મુજબ, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન અને મેટ્રોના કર્મચારીઓ વચ્ચે યોજાયેલી વાટાઘાટ નિષ્ફળ રહ્યા બાદ લગભગ 9 હજાર નોન એક્ઝિક્યુટિવ કર્મચારીઓએ શનિવાર મધરાતથી હડતાળ પર જવાનું નક્કી કર્યું હતું. જો હડતાળ પડી હોત તો મેટ્રો સેવાઓ ઠપ થઈ જાત. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ દિલ્હી મેટ્રોના નોન-એક્ઝિક્યુટિવ કર્મચારીઓએ પગાર વધારાની માગ પુરી નહીં થવાને કારણે 30 જૂનથી હડતાળ પર જવાની ધમકી આપી હતી.

હડતાળના એલાનને ધ્યાનમાં લઈને દિલ્હીના પરિવહન પ્રધાન કૈલાશ ગહલોતે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટરને નિર્દેશ આપ્યો હતો કે, નોન-એક્ઝિક્યુટિવ કર્મચારીઓની માગનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે. કૈલાશ ગહલોતે DMRCના મેનેજિંગ ડિરેક્ટરને પત્ર લખીને જણાવ્યું કે, ‘વિવાદનો જલદી ઉકેલ લાવવામાં આવે જેથી મેટ્રોની સેવાઓ ઠપ થાય નહીં. જો મેટ્રો સેવામાં વિક્ષેપ આવે તો દિલ્હી-એનસીઆરના લાખો મુસાફરોને સમસ્યાનો સામનો કરવો પડશે’.

વધુમાં તેમણે એમ પણ જણાવ્યું કે, સમગ્ર ઘટનાક્રમ અંગે તેમને સતત માહિતગાર કરતા રહેવામાં આવે. તેમણે કહ્યું કે, DMRCએ કોઈ પણ ભોગે વિવાદનું સમાધાન લાવવું જોઈએ. સમસ્યાનું સમાધાન લાવવા પોતે હમેશા ઉપલબ્ધ રહેશે તેમ દિલ્હીના પરિવહન પ્રધાન કૈલાશ ગહલોતે જણાવ્યું છે.