સગીરા દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા

જોધપુરઃ જોધપુર કોર્ટના જજ મધુસુદન શર્માએ ચૂકાદો આપતા કહ્યું હતું કે આસારામ સહિતના ત્રણ આરોપીઓને દોષિત છે. કોર્ટે માન્યું છે કે આસારામ બળાત્કારી છે. આસારામ, શિલ્પી અને શરદ દોષિત જાહેર થયા છે. તેમજ બે આરોપી શિવા અને પ્રકાશને નિર્દોષ જાહેર કર્યા છે. જજ શર્માએ આસારામને આજીવન કેદની સજા ફટકારી છે, અને અન્ય બે આરોપીઓને 20 વર્ષની જેલની સજા કરી છે. આજીવન કેદની સજા સાંભળીને આસારામ રડી પડ્યા હતા.

જજ મધુસુદન શર્માએ કહ્યું કે તેમનો અપરાધ ભયંકર છે, અને તેમણે મોત સુધી જેલમાં રહેવું પડશે. રીપોર્ટ અનુસાર ચુકાદો સાંભળ્યા પછી આસારામ રડી પડ્યા હતા, અને પોતાના માથા પરથી પાઘડી ઉતારી હતી, અને અંદાજે 10 મિનીટ સુધી ખુરશી પર બેસી રહ્યા હતા. કોર્ટે આસારામને એસસી એસટી એક્ટ સહિત 14 કલમોમાં આસારામને દોષિ કરાર કર્યા છે. તેઓની ઉમર 78 વર્ષની છે, તેમને ઓછી સજા થાય તેવી પણ તેમના વકીલ અરજ કરી હતી, પણ જજે આજીવન કેદની સજા ફટકારી હતી.આસારામના વકીલ નિલમ દુબેએ કહ્યું હતું કે આ ચુકાદાને અમે હાઈકોર્ટમાં પડકારીશું. વધુમાં જાણવા મળ્યું હતું કે જોધપુરની સેન્ટ્રલ જેલમાં આસારામની બેરેક આજે સાંજ સુધીમાં નક્કી થઈ જશે.

જોધપુરની સેન્ટ્રલ જેલમાં આસારામ કેસના ચુકાદાની સુનાવણી માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આજે આસારામ પંદર મિનીટ મોડા આવ્યા હતા, અને જજે ચુકાદો સંભળાવ્યો હતો. આસારામ દોષિત છે, તેમ કહ્યું ત્યારે આસારામ રામ રામ બોલ્યા હતા. સજાની સુનાવણી વચ્ચે આસારામે તેમના વકીલોને કહ્યું હતું કે કંઈક કો બોલો, ત્યારે વકીલોએ તેમને દિલાસો આપ્યો હતો. આસારામ સહિતના 3 આરોપીઓને શુ સજા કરવી તેના પર સુનાવણી થઈ હતી. આસારામની ઉંમરને ધ્યાને લઈને સજા કરવા જજને અપીલ કરવામાં આવી હતી.

નાબાલિક બાળકી સાથે બળાત્કારના મામલે જોધપુરની કોર્ટ આસારામ બાપુ પર ચુકાદો આપશે. આ નિર્ણય આવ્યા પહેલા દિલ્હીથી લઈને જોધપુર સુધી સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પોલિસને શંકા છે કે રામ-રહિમ પર આવેલા નિર્ણય બાદ જેવી રીતે તેમના સમર્થકોએ દિલ્હી સહિત ઘણી જગ્યાઓ પર તોફાનો કર્યા હતા બિલકુલ તેવી જ રીતે આસારામની સજાનો ચુકાદો આવ્યા બાદ પણ તોફાનો થવાની શક્યતા રહેલી છે જેને લઈને પુરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જો કે આસારામ કદાચ આ મામલે અદાલતમાંથી નિર્દોષ સાબિત થાય તો પણ તેઓ જેલમાંથી મુક્ત નહી થઈ શકે કારણ કે તેમના વિરૂદ્ધ ગુજરાતમાં પણ બળાત્કારનો એક મામલો ચાલી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોર્ટ નિર્ણય સંભળાવવાની છે તેથી મોટી સંખ્યામાં આસારામના સમર્થકો જોધપુર પહોંચશે તેવી શક્યતાઓને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કલમ-144 લાગુ કરી દેવામાં આવી છે.

રાજસ્થાન પોલિસ આસારામના સમર્થકો કોર્ટના નિર્ણય બાદ અથવા તો કોર્ટના નિર્ણય પહેલા રાજસ્થાનના શહેર જોધપુર પહોંચવાની યોજનાઓની સૂચના બાદ રાજસ્થાન સરકાર પાડોશી રાજ્યો પાસેથી પણ સહયોગ માંગ્યો છે તેમણે જણાવ્યું કે જો જરૂરીયાત ઉભી થઈ તો અર્ધસૈનિક દળોને પણ તેનાત કરવામાં આવશે.