‘મારું નામ રાહુલ’ : BJPનો રાહુલ ગાંધીની સ્ટાઈલમાં પલટવાર

નવી દિલ્હી- ફેસબુક ડેટા લીક પર ઉઠેલા વિવાદ વચ્ચે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ટ્વીટર યુદ્ધ શરુ થયું છે. બન્ને પાર્ટીઓ એક-બીજા ઉપર જનતાની જાણકારી તેમને જણાવ્યા વગર સાર્વજનિક કરવાનો આરોપ લગાવી રહી છે. ગતરોજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને નમો એપ દ્વારા પીએમ મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. જેની સામે ભારતીય જનતા પાર્ટીએ પણ પલટવાર કર્યો હતો. જોકે ભારતીય જનતા પાર્ટીએ ઘટના અંગે પુરુ રિસર્ચ કરીને રાહુલ ગાંધીની સ્ટાઈલમાં જ તેના પર પલટવાર કર્યો હતો.ભારતીય જનતા પાર્ટીની IT ટીમના હેડ અમિત માલવીયએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘હાય, મારું નામ રાહુલ ગાંધી છે. હું ભારતની સૌથી જૂની રાજકીય પાર્ટીનો અધ્યક્ષ છું. હવે તમે અમારી સત્તાવાર એપ્લીકેશનમાં સાઈનઅપ કરો છો, તો હું આપનો બધો ડેટા સિંગાપુર મારા મિત્રોને મોકલાવું છું’.

એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ પાર્ટી જનતાનો ડેટા કોઈ પણ અજાણ્યા શખ્શને આપી શકે છે. ભારતીય જનતા પાર્ટીની IT ટીમના હેડ અમિત માલવીયએ પોતાની વાતને રજૂ કરવા કેટલાંક ફોટા પણ શેર કર્યાં હતાં.

ભારતીય જનતા પાર્ટીએ પણ અમિત માલવીય દ્વારા કરવામાં આવેલા દરેક ટ્વીટને રિટ્વીટ કર્યા છે. કોંગ્રેસ પાર્ટીની વેબસાઈટ પર દર્શાવવામાં આવેલી કથિત પ્રાઈવસી પોલિસીને હાઈલાઈટ કરીને માલવીયએ લખ્યું કે, ‘જ્યારે કોંગ્રેસ કહે છે કે, તેઓ તમારો ડેટા લાઈક-માઈન્ડેડ ગ્રુપને શેર કરશે તો ચિંતા વધવી સ્વાભાવિક છે. માઓવાદીઓ, પત્થરબાજો, ભારતના ટુકડા કરનારી ગેંગ, ચીની દૂતાવાસથી લઈને દુનિયાભરમાં વિખ્યાત કૈમ્બ્રિજ એનાલિટિકા જેવા સુધી લોકોની માહિતી પહોંચી શકે છે. આ ક્ષેત્ર ઘણું વ્યાપક છે.