દલિત સંગઠનો દ્વારા ‘ભારત બંધ’નું એલાનઃ સામાન્ય જનજીવન પ્રભાવિત

નવી દિલ્હી – દલિત સમુદાયનાં લોકો પર થતા અત્યાચારો રોકવા માટે ઘડાયેલા શેડ્યૂલ્ડ કાસ્ટ્સ એન્ડ ટ્રાઈબ્સ (પ્રીવેન્શન ઓફ એટ્રોસિટીઝ) એક્ટ, 1989 (SC-ST) એક્ટમાં ફેરફાર વિશે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને કારણે કોર્ટ તથા કેન્દ્ર સરકાર બંને સામે દલિત સમાજ ભડક્યો છે. અનેક દલિત સંગઠનોએ કોર્ટના ચુકાદાના વિરોધમાં આજે ‘ભારત બંધ’નું એલાન કર્યું છે. પરંતુ કેન્દ્ર સરકાર એ વિરોધ સામે ઝૂકી ગઈ છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગેની પુનર્વિચાર પીટિશન આજે કોર્ટમાં રજૂ કરવા સહમત થઈ છે.

  • બિહારના અરરિયા, સુપૌલ, મધુબની, દરભંગા, જહાનાબાદ અને આરામાં ભીમ સેનાએ ટ્રેન રોકી અને સડકો પર ચક્કાજામ કર્યા છે.
  • ઓડિશાના સંભલપુરમાં દેખાવકારોએ ટ્રેન રોકીના સમાચાર મળી રહ્યા છે.
  • પંજાબના અમૃતસરમાં રસ્તાઓ પર સન્નાટો છવાઈ ગયો છે. ભારે સંખ્યામાં પોલીસદળ ખડકી દેવામાં આવ્યું છે.
  • ગુજરાતના સાંળગપુર વિસ્તારમાં પણ પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
  • રાજસ્થાનના ભરતપુરમાં દલિતોએ રોડ પર ચક્કાજામ કર્યો
  • પંજાબના પટિયાલામાં દલિતોએ ટ્રેન રોકીને કર્યો વિરોધ

દલિતોનો આરોપ છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી SC-ST કાયદો નબળો પડી જશે. સુપ્રીમ કોર્ટની ટિપ્પણી દલિત અને આદિવાસી લોકો પર અત્યાચારના કેસોમાં તત્કાળ ધરપકડ અને કેસ ફાઈલ કરવા પર મનાઈ ફરમાવે છે.

સુપ્રીમ કોર્ટે શેડ્યૂલ્ડ કાસ્ટ્સ એન્ડ ટ્રાઈબ્સ (પ્રીવેન્શન ઓફ એટ્રોસિટીઝ) એક્ટ, 1989ની ચોક્કસ જોગવાઈઓને ભેળવી દેવા વિશે તાજેતરમાં આદેશ આપ્યો છે. કોર્ટના આ ચુકાદા સામે દલિતોને વાંધો ઉઠાવ્યો છે.

ગઈ 20 માર્ચે સુપ્રીમ કોર્ટે એવું ઠેરવ્યું હતું કે SC-ST એક્ટ અંતર્ગત આરોપીની ધરપકડ કરવી ફરજિયાત નથી અને પ્રાથમિક તપાસ યોજાયા બાદ તેમજ સત્તાધિશ મંડળ દ્વારા મંજૂરી અપાય તે પછી જ આરોપી સામે પગલું લેવું.

કોર્ટે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે જો કેસ પ્રાથમિક તપાસવાળો ન બને તો એટ્રોસિટીઝ એક્ટ હેઠળ નોંધાયેલા કેસોમાં આરોપીને આગોતરા જામીન મંજૂર કરવા સામે મનાઈ કરવી ન જોઈએ.

SC-ST પ્રીવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ હેઠળ વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરવાની કડક જોગવાઈ છે.

કોર્ટે એવી નોંધ લીધી હતી કે SC-ST કાયદાનો સરકારી કર્મચારીઓ સામે બેફામપણે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. કોઈ સરકારી કર્મચારીની ત્યારે જ ધરપકડ કરવી જોઈએ જ્યારે સત્તાધિશ મંડળ દ્વારા એ માટે મંજૂરી મળી હોય. જ્યારે કોઈ બિન-સરકારી કર્મચારી વ્યક્તિની ધરપકડ કરી શકાય જો કોઈ સિનિયર પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટની મંજૂરી મળી હોય.

સુપ્રીમ કોર્ટે આ બંને જોગવાઈને ભેળવી દેવાનો ચુકાદો આપ્યો છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા સામેના વિરોધમાં વિપક્ષી નેતાઓ તથા શાસક ભાજપના દલિત નેતાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનની આગેવાની હેઠળ દલિત નેતાઓનું એક પ્રતિનિધિમંડળ પીએમ મોદીને મળ્યું હતું.

‘ભારત બંધ’નું એલાન શેતકરી કામગાર પક્ષ, પ્રકાશ આંબેડકરના નેતૃત્વવાળા ભારિપ બહુજન મહાસંઘ, સેન્ટર ઓફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન્સ, રાષ્ટ્રીય સેવા દળ, નેશનલ દલિત મૂવમેન્ટ ફોર જસ્ટિસ વગેરે સંગઠનોએ કર્યું છે.

કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે ટ્વીટ કરીને કહ્યું છે કે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં સોમવારે પુનર્વિચાર પીટિશન ફાઈલ કરશે.

દરમિયાન, પંજાબમાં કોંગ્રેસની સરકારે તો ભારત બંધના એલાનને પગલે અને સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં લઈને આજે રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓને મોકૂફ રાખી છે.

‘ભારત બંધ’માં જોડાવા ગુજરાતના લોકોને અપક્ષ વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણીની અપીલ

ગુજરાતના વિધાનસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ પણ ‘ભારત’ બંધને ટેકો આપ્યો છે. એમણે ટ્વીટ કરીને લોકોને ભારત બંધમાં સામેલ થવાની અપીલ કરી છે.