‘પેથાઈ’નો કહેર: આંધ્રપ્રદેશનો દરિયા કિનારો ઓળંગે તેવી શક્યતા

નવી દિલ્હી- બંગાળની ખાડીમાં હવાના દબાણને કારણે ઉદભવેલું પેથાઈ વાવાઝોડું કાકીનાડા નજીક આંધ્રપ્રદેશનો દરિયા કિનારો ઓળંગે તેવી શક્યતા છે. વાવાઝોડું પેથાઈ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આંધ્રપ્રદેશની દરિયા કિનારાના વિસ્તારોમાં ગત રવિવારથી જ તેજ ગતીએ પવન ફુંકાવા લાગ્યો હતો. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર હાલ પેથાઈ વાવાઝોડું કાકીનાડા અને વિશાખાપટ્ટનમથી પણ 500 કિલોમીટર દૂર છે.

પેથાઈની તીવ્રતા તાજેતરમાં જ આવેલા તિતલી વાવાઝોડાંથી ઓછી હોવાનું હવામાન વિભાગનું કહેવું છે. રાજ્યમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે, અને એનડીઆરએફની ટીમોને મોકલી દેવામાં આવી છે. સાથે જ દરિયા કિનારા નજીકના વિસ્તારોમાં સ્કૂલ અને કોલેજોને બંધ રાખવાનો સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

આંધ્રપ્રદેશના કેટલાંક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ થયો છે. જ્યારે આંધ્રપ્રદેશના ગુંટુર, કૃષ્ણા અને પશ્ચિમ – પૂર્વિય ગોદાવરી જિલ્લાઓમાં સતત વરસાદ થયો હતો. જેને લઈને મુખ્યપ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુએ દરિયાકાંઠા વિસ્તારના જિલ્લા કલેકટરોને જાનહાની રોકવા માટેના તમામ પ્રયત્નોને હાથ ધરાવા કહ્યું હતું.

વિશાખાપટ્ટનમ વાવાઝોડાં ચેતવણી કેન્દ્ર મુજબ, પેથાઈ આગામી થોડા કલાકોમાં તેજ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે અને ત્યારબાદ જમીન સાથે ટકરાવાના કારણે ધીરે ધીરે તેની અસર ઓછી થશે. હવામાન વિભાગે આંધ્રપ્રદેશ અને પોડુંચેરીના યાનમ જિલ્લામાં આજે સોમવારે જોરદાર વરસાદની સંભાવના દર્શાવી છે.આંધ્રપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે.