‘Phethai’ વાવાઝોડું ત્રાટકશે, 16-17મીએ અહીં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હી- બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં સમુદ્ર પર ઉદભવેલું હવાનું દબાણ છેલ્લાં છ કલાકમાં 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આજે સવારે સાડા પાંચ વાગે શ્રીલંકાના ત્રિંકોમાલીથી પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશાએ ૭૦૦ કિલોમીટર, ચેન્નાઈથી આશરે ૯૬૦ કિલોમીટર અને આંધ્રપ્રદેશના મછ્લીપટ્ટનમથી 1130 કિલોમીટર દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ દિશામાં કેન્દ્રીત થયું છે. ભારતીય નેવીએ આવનારા ચક્રવાતી વાવાઝોડાનો ચેતવણી સંદેશ આપ્યો હતો.આગામી 12 કલાકમાં તે તીવ્ર થઈને ચક્રવાતી તોફાનમાં અને આગામી 36 કલાકમાં ભયંકર ચક્રવાતી વાવાઝોડાના સ્વરૂપમાં ફેરવાય તેવી સંભાવના છે. આ સંભવિત વાવાઝોડું ઉત્તર અને ઉત્તર – પશ્ચિમ દિશાએ આગળ વધીને 17 ડિસેમ્બરના રોજ બપોર સુધીમાં આંધ્રપ્રદેશના કાકીનાડા અને ઓંગોલે વચ્ચેના દરિયાકિનારો ઓળંગે તેવી સંભાવના છે. આના પરિણામે આવતીકાલે 15 ડિસેમ્બરની સાંજથી ઉત્તર તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. 15થી 17મી ડિસેમ્બર દરમિયાન સંબંધિત વિસ્તારોમાં પવનની ગતિ વધીને 110 કિલોમીટર પ્રતિ કલાકની થવાની સંભાવના છે. પરિણામે આજ સાંજથી દરિયો તોફાની બનશે અને માછીમાર ભાઈઓને દરિયો નહીં ખેડવાની સૂચના હવામાન વિભાગે આપી છે.

આંધ્ર પ્રદેશના દરિયાકિનારા વિસ્તારના અનેક જગ્યાએ અને તામિલનાડુના ઉત્તરીય દરિયા કિનારા વિસ્તારમાં 15 ડિસેમ્બરની સાજે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. જોકે કેટલાંક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડશે, જ્યારે આંધ્ર પ્રદેશના દરિયા વિસ્તારમાં 16 અને 17 ડિસેમ્બરે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણીમાછીમારોને બંગાળની ખાડીમાં દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પૂર્વમાં 14થી 17ડિસેમ્બર સુધી દરિયો ના ખેડવા ચેતવણી આપી છે. તો બીજી તરફ નેવી જે માછીમારો દરિયામાં ઊંડે સુધી ગયા છે, તેમને દરિયાકિનારે પાછા ફરવા સલાહ આપી છે. નેવીએ દરિયામાં જે જહાજો છે તેમને નજીકના પોર્ટ પર જવાની સલાહ આપી છે.