ફોની વાવાઝોડાનો મરણાંક 41; ઓડિશામાં વીજપુરવઠો પૂર્વવત્ કરવાનું કામ યુદ્ધના ધોરણે

પુરી (ઓડિશા) – ચક્રવાતી વાવાઝોડું ફોની, જે ગઈ 3 મેએ ઓડિશાનાં પૂર્વીય સમુદ્રકાંઠાના વિસ્તારો પર ત્રાટક્યું હતું, તે સંબંધિત દુર્ઘટનાઓમાં માર્યા ગયેલાઓનો આંક વધીને 41 થયો છે.

અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજપુરવઠો પૂર્વવત્ કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. એ માટે અન્ય રાજ્યોમાંથી ઘણા કૌશલ્યવાન લોકોને મદદ માટે બોલાવવામાં આવ્યા છે.

ફોનીને કારણે પુરી શહેરમાં ઘણો વિનાશ સર્જાયો છે. ગયા શુક્રવારે વાવાઝોડું પુરી શહેરમાં જ ત્રાટક્યું હતું.

વહીવટીતંત્રએ પાણી પુરવઠાને પૂર્વવત્ કરવાને પ્રાથમિકતા આપી છે અને ઓડિશાના પાટનગર ભૂવનેશ્વર અને પુરી શહેરના ઘણા ખરા ભાગોમાં પાણી પુરવઠો ફરી શરૂ કરી શકાયો છે.

જે વિસ્તારોમાં વીજપુરવઠો શરૂ કરી શકાયો નથી ત્યાં વીજળી ઉપલબ્ધ ન હોવાને કારણે વોટર પમ્પ્સ ચલાવવા માટે ડિઝલ જનરેટરો મૂકવામાં આવ્યા છે.

12 મે સુધીમાં ભૂવનેશ્વરમાં વીજપુરવઠો સંપૂર્ણપણે પૂર્વવત્ કરી શકવાની ઓડિશા સરકારને આશા છે.

ફોની વાવાઝોડાએ ઓડિશાના 11 કાંઠાળ જિલ્લાઓમાં પાણી અને વીજળી સપ્લાય ખોરવી નાખી છે અને ટેલીકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક રીતે નુકસાન પહોંચાડ્યું છે.