શ્રીનગર હોટલ કાંડ: મેજર ગોગોઈ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીમાં દોષી સાબિત થયા

0
1748

શ્રીનગર- શ્રીનગર હોટલ કેસમાં ભારતીય સેનાના મેજર લીતુલ ગોગોઈ વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. આર્મીની કોર્ટ ઓફ ઇન્ક્વાયરીમાં ગોગોઈ સામે કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે. તપાસમાં મેજર ગગોઈને ડ્યુટી દરમિયાન અન્યત્ર જવા અને નિયમ વિરુદ્ધ જઈને સ્થાનિક લોકો સાથે ગતિવિધિ વધારવા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા.કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની ભલામણ કર્યા બાદ મેજર ગોગઈને કોર્ટ માર્શલનો સામનો કરવો પડી શકે છે. મળતી માહિતી મુજબ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીની તપાસમાં જાણવા મળ્યું છે કે, મેજર ગોગાઇએ એક સંઘર્ષ વાળા વિસ્તારમાં સ્થાનિક મહિલા સાથે પરિચય બનાવીને આર્મીના નિયમનું ઉલ્લંઘન કર્યું હતું અને ફરજથી જગ્યાએથી દૂર રહીને પ્રમાણભૂત સંચાલન પ્રક્રિયાનું પણ ઉલ્લંઘન કર્યું હતું.

ઈન્ક્વાયરી કોર્ટે મેજર ગોગોઈને નિર્દેશથી વિપરીત સ્થાનિક મહિલા સાથે વ્યવહાર વધારવા અને સંઘર્ષ વાળા વિસ્તારમાં પોતાના કાર્યસ્થળથી દૂર રહેવાના જવાબદાર ગણાવ્યા હતા. આર્મીના સૂત્રોએ જણાવ્યું કે, મેજર ગોગોઈ વિરુદ્ધ શિસ્તભંગના પગલાં લેવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીએ આ મહિનાની શરુઆતમાં સંબંધિત સત્તાધિશોને પોતાનો તપાસ અહેવાલ સબમિટ કર્યો છે. ત્યારબાદ આગળની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, ગત 23 મેના રોજ આ ઘટના સામે આવ્યા બાદ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીએ મેજર ગોગોઈ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા હતા.