નિકાહ હલાલા અને બહુવિવાહ ગેરબંધારણીય છે કે નહીં તે અંગે SC કરશે સુનાવણી

નવી દિલ્હી- નિકાહ હલાલા અને બહુવિવાહ ગેરબંધારણીય છે અથવા નહીં તે અંગે સુપ્રીમ કોર્ટ સમીક્ષા કરશે. સુપ્રીમ કોર્ટના ટીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેંચે આ મામલો બંધારણીય બેંચને રેફર કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને નિકાહ હલાલા અને બહુવિવાહને ગેરબંધારણીય જાહેર કરવાની અરજી અંગે પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું છે.સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, મુસ્લિમ પર્સનલ લો (શરિયત) એપ્લિકેશન એક્ટ 1937ની કલમ-2ને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે. કારણકે, આ કલમ અંતર્ગત નિકાહ હલાલા અને બહુવિવાહને માન્યતા આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, ત્રણ તલાકને ગેરબંધારણીય જાહેર કર્યા બાદ હવે નિકાહ હલાલા અને બહુવિવાહના બંધારણીય તથ્યોની કોર્ટ ચકાસણી કરશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સુપ્રીમ કોર્ટે એક વખતમાં ત્રણ તલાકની પ્રથાને ગેરબંધારણીય જાહેર કરી હતી.

મુખ્ય ન્યાયાધિશ સમક્ષ દલીલ રજૂ કરવામાં આવી હતી કે 5 ન્યાયાધિશોની બંધારણીય બેંચે ત્રણ તલાકને ગેરબંધારણીય જાહેર કર્યો પરંતુ નિકાહ હલાલા અને બહુવિવાહના મુદ્દાને ધ્યાન પર લીધો નહતો. મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રાની આગેવાની હેઠળની ખંડપીઠે જણાવ્યું કે, નિકાહ હલાલા અને બહુવિવાહ મુદ્દાની બંધારણીય તપાસ કરવા પાંચ ન્યાયાધિશોની બેંચનું નવેસરથી ગઠન કરવામાં આવશે.

શું છે નિકાહ હલાલા?

એડવોકેટ એમ.એસ ખાને જણાવ્યું કે, પતિ દ્વારા તેની પત્નીને તલાક અપાયા બાદ તેને પોતાની ભૂલનો અહેસાસ થાય અને તે ફરીવાર પૂર્વ પત્ની સાથે સંબંધ રાખવા ઈચ્છે તો મહિલાએ હલાલા પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જે મુજબ મહિલાએ અન્ય પુરુષ સાથે નિકાહ કરવાનો હોય છે અને સંબંધ પણ સ્થાપિત કરવો પડે છે, ત્યારબાદ મહિલા તે પુરુષને તલાક આપી પૂર્વ પતિ સાથે ફરીવાર નિકાહ કરી શકે છે. આ પાછળનો તર્ક એવો છેકે સામાજિક પ્રક્રિયા એવી બનાવવામાં આવે જેથી કોઈ સામાન્ય વાતમાં તલાક આપે નહીં અને તલાકને મજાક સમજવામાં ન આવે.