કર્ણાટક: લિંગાયત કાર્ડ પર BJPનો પલટવાર, બૂમરેંગ થઈ શકે છે કોંગ્રેસનો દાવ

નવી દિલ્હી- કર્ણાટક વિધાનસભની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીએ રમેલો લિંગાયત સમુદાયનો દાવ બૂમરેંગ સાબિત થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો કેન્દ્ર સરકાર આ અંગે મંજૂરી આપશે નહીં. જેને લઈને પીએમ મોદીના નેતૃત્વમાં એક બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં હાજર રહેલા મોટાભાગના પ્રધાનોએ લિંગાયત સમુદાયને અલગ ધર્મ તરીકે માન્યતા આપવાનો વિરોધ કર્યો હતો. પોતાના વિરોધ અંગે તર્ક રજૂ કરતાં પ્રધાનોએ જણાવ્યું કે, વીરશૈવ-લિંગાયત સમુદાયને અલગ દરજ્જો આપવામાં આવશે તો, દલિતોને આરક્ષણનો લાભ નહીં મળે.કેન્દ્રીય પ્રધાન અનંત કુમારે આ પ્રસ્તાવનો વિરોધ કરતા કહ્યું કે, ‘UPA-2ના શાશનકાળ દરમિયાન પણ લિંગાયત સમુદાય દ્વારા અલગ ધર્મની માગણી ઉઠી હતી. જેને રદ્દ કરવામાં આવી હતી. હવે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ લિંગાયતને અલગ ધર્મ તરીકે માન્યતા આપવાની વાત કરે છે.

શું છે કોંગ્રેસનો દાવ?

આપને જણાવી દઈએ કે, કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના ઠીક પહેલાં સત્તારુઢ કોંગ્રેસ પાર્ટીએ લિંગાયતનો મુદ્દો ઉછાળી મોટું રાજકારણ રમ્યું છે. કોંગ્રેસનો આ દાવ ભાજપ માટે પરેશાનીનું કારણ બની શકે છે.

લિંગાયતની ભૂમિકા બનશે નિર્ણાયક

કર્ણાટકમાં લિંગાયત સમુદાયના લોકોની સંખ્યા રાજ્યની કુલ વસ્તીના આશરે 18 ટકા જેટલી છે. BJPના સીએમ પદના ઉમેદવાર બી.એસ. યેદુરપ્પા પણ આ જ સમુદાય માંથી આવે છે. ભારતીય જનતા પાર્ટીએ યેદુરપ્પાને મખ્યપ્રધાન પદના ઉમેદવાર બનાવી લિંગાયત સમુદાયને મનાવવાનો પ્રયાસ કર્યો છે. જાણકારોનું માનીએ તો BJPના આ દાવથી કોંગ્રેસ માટે પોતાની જ ચાલ બૂમરેંગ સાબિત થઈ શકે છે.