ઈંધણના ભાવમાં વધારાનો વિરોધ: કોંગ્રેસ દ્વારા 10 સપ્ટેંબરે ‘ભારત બંધ’

નવી દિલ્હી – ઈંધણના ભાવમાં સતત થઈ રહેલા વધારા સામે કેન્દ્ર સરકારને જાગ્રત કરવા માટે કોંગ્રેસ પાર્ટીએ 10 સપ્ટેંબરના સોમવારે ‘ભારત બંધ’ પાળવાનું નક્કી કર્યું છે.

કોંગ્રેસના નેતાઓએ આ નિર્ણયની આજે જાહેરાત કરી છે તથા અન્ય વિરોધ પક્ષોને તેમજ સામાજિક સંગઠનોને કેન્દ્ર સરકાર વિરુદ્ધના આ આંદોલનમાં જોડાવા કહ્યું છે. પરંતુ, બહુજન સમાજ પાર્ટી સિવાય તમામ વિરોધ પક્ષો કોંગ્રેસના બંધને ટેકો આપશે.

10 સપ્ટેંબરે બંધનો સમય સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધીનો રહેશે.

કોંગ્રેસ પાર્ટીમાં સંદેશવ્યવહાર વિભાગનો હવાલો સંભાળતા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે પેટ્રોલ, ડિઝલ તથા રાંધણ ગેસના સિલિન્ડરોના ભાવમાં સતત થઈ રહેલા વધારાથી સામાન્ય જનતા પરેશાન છે.

સુરજેવાલાએ પત્રકારોને કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ 10 સપ્ટેંબરના સોમવારે ભારત બંધ પાળવાનું નક્કી કર્યું છે. એ દ્વારા અમે રૂ. 11 લાખ કરોડની ફ્યુઅલ લૂંટથી લોકોને વાકેફ કરીશું અને સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં તેમજ રાજ્યોમાં VATમાં તત્કાળ કાપ મૂકવામાં આવે એવી માગણી કરીશું.

પેટ્રોલ અને ડિઝલને GSTના કરમાળખામાં સામેલ કરવામાં આવે એવી પણ અમે માગણી કરીશું.