રેલીઓનો ધમધમાટ અને જનસંપર્કની યોજના સાથે વધુ આક્રમક બનશે કોંગ્રેસ

નવી દિલ્હી- લોકસભાની ચૂંટણીને રાજકીય પક્ષો રણનીતિ ઘડવામાં વ્યસ્ત બન્યાં છે. ત્યારે વિપક્ષી દળ કોંગ્રેસ મોદી સરકાર સામે વધુ આક્રમક રૂપ અપનાવવાની તૈયારી છે. પાર્ટી જૂદા જૂદા રાજ્યોમાં ગઠબંધનને અંતિમ રૂપ આપવાની સાથે સાથે મોટી સંખ્યામાં ચૂંટણી રેલીઓનું આયોજન કરી રહી છે. અત્યાર સુધીમાં કોંગ્રેસ ઉમેદવારોની ત્રણ યાદી જાહેર કરી ચૂકી છે, ત્યારે ટૂંક સમયમાં જ તમામ ઉમેદવારોની જાહેરાત કરે તેવી શક્યતા છે.

કોંગ્રેસની ચૂંટણી રણનીતિ અંગે જાણકારી રાખતા કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં કોંગ્રેસ અધ્યક્ષ અને અન્ય વરિષ્ઠ નેતાઓ સતત ઘણી જાહેર સભાઓ કરશે. સાથે જ અમે અમારા જનસંપર્ક ઝૂંબેશ અને ખાસ કરીને ડોર ટુ ડોર ઝૂંબેશને વધુ તેજ કરી રહ્યાં છીએ. ઉત્તરપ્રદેશને બાદ કરતા અન્ય તમામ મોટા રાજ્યોમાં અમારુ ગઠબંધન નક્કી છે. તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને બિહારમાં ગઠબંધન નિશ્ચિત છે.

ગઠબંધન અંગે પુછવામા આવતા પાર્ટી પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે, ગઠબંધનને લઈને કોઈ મુશ્કેલી નથી. છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જૂદા જૂદા વિસ્તારોમાં સતત ચૂંટણીને લઈને જાહેર સભાઓ સંબોંધિત કરી રહ્યાં છે.

સુત્રોનું કહેવું છે કે, હવે ચૂંટણીના જૂદા જૂદા તબક્કાઓ અનુસાર, કોંગ્રેસ રેલીઓનું આયોજન કરી રહ્યું છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ અને કેટલાક અન્ય રાજ્યો માટે 3 યાદીઓમાં કુલ 54 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નામનો પણ સમાવેશ થાય છે.