2019ની ચૂંટણી માટે ‘રાફેલ ડીલ’ને મોટો મુદ્દો બનાવવાની તૈયારીમાં છે કોંગ્રેસ

નવી દિલ્હી- વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ ‘રાફેલ ડીલ’ને મુખ્ય મુદ્દો બનાવી ‘બોફોર્સ કૌભાંડ’ની જેમ ઉપયોગ કરવાની યોજના બનાવી છે. જેને લઈને કોંગ્રેસ પાર્ટી દેશભરમાં 90થી વધુ પત્રકાર પરિષદને સંબોધન કરશે.મળતી માહિતી મુજબ આગામી લોકસભા ચૂંટણી સુધી કોંગ્રેસ પાર્ટી દરેક મોરચે રાફેલ ડીલમાં કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવતી રહેશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીએ તત્કાલીન પીએમ મનમોહન સિંહ સરકારના 2જી કૌભાંડ, કોલસા કૌભાંડ જેવા મુદ્દાઓને ચૂંટણી પ્રચારમાં આવરી લીધા હતા. હવે કોંગ્રેસ પણ એજ ફોર્મ્યુલાને 2019માં ઉપયોગમાં લેવાની તૈયારી કરી રહી છે.

કોંગ્રેસ પાર્ટી નરેન્દ્ર મોદી સરકાર ઉપર રાફેલ વિમાનોની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારનો આરોપ લગાવતી રહી છે. પાર્ટીની રણનીતિ મુજબ આ મુદ્દાને તેઓ આગામી ચૂંટણી પહેલાં ‘સંસદથી સડક સુધી’ તમામ મોરચે ઉઠાવશે. આ મુદ્દે પાર્ટીની યોજના તૈયાર છે અને પાર્ટીએ પુરા દમખમ સાથે મેદાનમાં ઉતરવા મન બનાવી લીધું છે.