કોંગ્રેસે શોધ્યું રાહુલનું રીપ્લેસમેન્ટ, દક્ષિણના આ નેતા પર ઢળી શકે પસંદગીનો કળશ…

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા ઈચ્છે છે. ત્યારે તેમેણે પોતાનું રિપ્લેસમેન્ટ શોધવા માટે પાર્ટીને એક મહિનાનો સમય આપેલો છે. રાહુલ ગાંધીએ એ વાત પર ભાર આપ્યો કે નવા અધ્યક્ષ કોઈ બિનગાંધી જ હોવા જોઈએ. એટલે કે પાર્ટી આ પ્રયત્નોમાં લાગી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ માટે એકે એન્ટનીના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. અત્યારે પાર્ટીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે, જો વર્કિંગ કમિટીના સભ્યોમાં સહમતિ સધાઈ ગઈ, તો એકે એન્ટની કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ બની શકે છે. આપને જણાવી દઈએ કે યૂપીએ સરકારમાં એ કે એન્ટની રક્ષા પ્રધાન રહી ચૂક્યાં છે.

પાર્ટીમાં એ વિચાર ઉભર્યો છે કે કોંગ્રેસને પોતાના અંતરિમ અધ્યક્ષના રુપમાં એક વરિષ્ઠ નેતાનું નામ લેવાનું રહેશે, જે સામૂહિક નિર્ણય લેવા માટે નેતાઓના એક કોલેજિયમની અધ્યક્ષતા કરશે. પાર્ટીમાં એ કે એન્ટનીની સારી છબી છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે અંતરિમ અધ્યક્ષ તરીકે તેમના નામ પર સહમતિ બની જશે.

આપને જણાવી દઈએ ગત દિવસોમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં પણ રાહુલ ગાંધીએ રાજીનામાની રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ એક સામાન્ય કાર્યકર્તાની જેમ જ કામ કરવા ઈચ્છે છે. તેમણે કહ્યું હતું કે તેઓ દેશભરમાં ફરીને કોંગ્રેસનો જનાધાર વધારવાનું કાર્ય કરશે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર લોકસભામાં રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીના નેતા બનવા માટે મનાવવામાં આવી રહ્યાં છે. જો કે માનવામાં આવી રહ્યું છે કે આવતા સપ્તાહે લોકસભામાં કોંગ્રેસના નેતા કોણ હશે તેની ઔપચારિક જાહેરાત થઈ જશે.

આ પહેલાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતાઓની ઢીલી કામગીરીને લઈને નિશાન સાધ્યું હતું. તેમણે એપણ કહ્યું કે પાર્ટીના ઘણા નેતાઓએ પાર્ટીથી આગળ પોતાના દીકરાને રાખ્યા છે. તેમને ટીકિટ અપાવવા માટે દબાણ કર્યું છે. આમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોત, કોંગ્રેસ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયા, પૂર્વ કેન્દ્રીય પ્રધાન જસવંત સિંહ, પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના નામનો સમાવેશ થાય છે.

ચૂંટણીમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતના દીકરા વૈભવ ગહેલોત, કોંગ્રેસ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયા, પૂર્વ કેન્દ્રીય પ્રધાન જસવંત સિંહના દીકરા માનવેન્દ્ર સિંહ અને પૂર્વ કેન્દ્રીયપ્રધાન સંતોષ મોહન દેવની દીકરી સુષ્મિતા દેવ, કમલનાથ અને ચિદમ્બરમના બંન્ને નેતાઓના દીકરા હારી ગયા. જ્યારે રાહુલ ગાંધીએ બેઠકમાં રાજીનામાની રજૂઆત કરી હતી, તો પૂર્વ નાણાંપ્રધાન પી ચિદમ્બરમ ભાવુક થઈ ગયાં હતાં.