મહાભિયોગ પ્રસ્તાવ: હવે ઉપરાષ્ટ્રપતિના નિર્ણય પર સૌની નજર

0
1406

નવી દિલ્હી- કોંગ્રેસ પાર્ટીની આગેવાનીમાં સાત વિપક્ષી દળોએ રાજ્યસભાના સભાપતિ અને દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ સાથે મુલાકાત કરી હતી અને તેમને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા આવેદન સોપ્યું છે. ગત રોજ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદની આગેવાનીમાં વિરોધ પક્ષોની બેઠક યોજાઈ હતી, ત્યારબાદ વિરોધ પક્ષોએ ઉપરાષ્ટ્રપતિને CJI વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવનું આવેદન સોપ્યું હતું.હવે  મામલાને લઈને સૌ કોઈની નજર ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પર રહેશે. કારણકે વેંકૈયા નાયડુ આ પ્રસ્તાવને રદ કરી શકે છે અને આગળ વધારવા પણ મંજૂરી આપી શકે છે. આ સિવાય એક શક્યતા એવી પણ છે કે, ઉપરાષ્ટ્રપતિ આ મામલે કાયદાકીય માર્ગદર્શન મેળવી બાદમાં કોઈ નિર્ણય લઈ શકે છે.  જો આમ થશે તે આ મામલે નિર્ણય લેવામાં વધારે સમય લાગી શકે છે.

બીજી તરફ આ મામલે ગૃહ રાજ્યપ્રધાન કિરણ રિજિજૂએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું કે, ‘કોંગ્રેસને દેશની સેના પર ભરોસો નથી, તેમને CJI પર વિશ્વાસ નથી. તેમને EVM પર વિશ્વાસ નથી, તેમને ચૂંટણી પંચ ઉપર વિશ્વાસ નથી. દેશની સર્વોચ્ચ અદાલત ઉપર પણ વિશ્વાસ નથી, RBI ઉપર વિશ્વાસ નથી. તેમને PMO ઉપર પણ વિશ્વાસ નથી. રાષ્ટ્રપતિ ઉપર પણ કોંગ્રેસને વિશ્વાસ નથી. દેશની કોઈ જ સંસ્થા ઉપર તેમને વિશ્વાસ નથી અને કહે છે કે લોકતંત્ર ખતરામાં છે’. રિજિજૂએ કહ્યું કે, હવે તો દેશની જનતાને જ કોંગ્રેસ ઉપર વિશ્વાસ નથી.