CJI સામે આવશે મહાભિયોગ, ઉપરાષ્ટ્રપતિને પ્રસ્તાવ સોંપવા પહોંચ્યા વિપક્ષી નેતા

નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની વિપક્ષે તૈયારી શરુ કરી દીધી છે. જસ્ટિસ લોયા કેસમાં નિરાશા હાથ લાગ્યા બાદ હવે વિપક્ષી પાર્ટીઓએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રા સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં વધુ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. આજે વિરોધપક્ષ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદની આગેવાનીમાં એક બેઠક મળી હતી. ત્યારબાદ વિરોધ પક્ષના નેતાઓ ઉપરાષ્ટ્રપતિને CJI વિરુદ્ધ પ્રસ્તાવ સોંપવા ગયા હતા.ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રા સામે મહાભિયોગ પ્રસ્તાવને લઈને ઉપરાષ્ટ્રપતિને મળવા ગયેલા વિપક્ષી નેતાઓમાં કોંગ્રેસ પાર્ટીના નેતા ગુલામ નબી આઝાદ, કે.ટી.એસ. તુલસી, અભિષેક મનુ સિંઘવી, કપિલ સિબ્બલ ઉપરાંત NCPના વંદના ચૌહાણ અને CPI નેતા ડી. રાજાનો સમાવેશ થાય છે. જોકે, RJD અને TMCએ હજી સુધી મહાભિયોગ પ્રસ્તાવથી અંતર જાળવી રાખ્યું છે.

અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે બેઠક કર્યા બાદ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે, અમે ઉપરાષ્ટ્રપતિને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ આપવા જઈ રહ્યાં છીએ. અમને સાત પાર્ટીઓનું સમર્થન છે, જેમાં કોંગ્રેસ ઉપરાંત CPI, CPM, NCP, BSP, SP અને મુસ્લિમ લીગનો સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ વિપક્ષોએ 50થી વધુ સાંસદોના હસ્તાક્ષર સાથે મહાભિયોગનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેને રાજ્યસભાના ચેરમેન સાથેની બેઠકમાં રજૂ કરવામાં આવી શકે છે. સૂત્રોનું માનીએ તો, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આ વિષય પર એક કમિટીની રચના કરી શકે છે.