ટ્રિપલ તલાક ખરડો સોમવારે રાજ્યસભામાં રજૂ કરાશે; સભ્યોને કોંગ્રેસ, ભાજપનો વ્હીપ

નવી દિલ્હી – સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં આવતીકાલે મહત્ત્વનો એવો ટ્રિપલ તલાક ખરડો રજૂ થવાનો છે. આ ખરડો આ ગૃહમાં પાસ થઈ જાય એ માટે શાસક ભારતીય જનતા પાર્ટી ઉત્સૂક છે. આ ખરડો ગયા અઠવાડિયે લોકસભામાં પાસ કરી દેવામાં આવ્યો છે.

આવતીકાલે આ ખરડો રાજ્યસભામાં રજૂ કરાય ત્યારે ફરજિયાત હાજર રહેવા વિશે કોંગ્રેસ અને ભાજપ, બંને પાર્ટીએ પોતપોતાના સભ્યોજોગ વ્હીપ ઈસ્યૂ કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે બહુચર્ચિત ટ્રિપલ તલાક ખરડો મુસ્લિમ સમાજમાં પત્નીઓને ત્રણ-વખત તલાક શબ્દ બોલીને અથવા ઈન્સ્ટન્ટ રીતે છૂટાછેડા આપવાની પ્રથા પર પ્રતિબંધ મૂકે છે અને આ પ્રથાને અનુસરનાર મુસ્લિમ પતિને જેલની સજાની જોગવાઈ કરે છે.

કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ આ ખરડાને આવતીકાલે રાજ્યસભામાં રજૂ કરશે.

લોકસભામાં પણ પ્રસાદે જ આ ખરડો રજૂ કર્યો હતો. જેમાં ભાજપની સરકારે બહુમતીથી પાસ કરાવીને વિજય હાંસલ કર્યો હતો. તે ખરડા પર આખો દિવસ ચાલેલી ચર્ચાને અંતે યોજાયેલા મતદાનમાં સભ્યોએ ખરડાની તરફેણમાં 245 મત આપ્યા હતા અને વિરુદ્ધમાં 11 મત પડ્યા હતા.

કોંગ્રેસનાન મહામંત્રી કે.સી. વેણુગોપાલે કહ્યું છે કે રાજ્યસભામાં પણ એમની પાર્ટી આ ખરડાનો વિરોધ કરશે. કોંગ્રેસ ઉપરાંત અન્ય 9 પક્ષો આ ખરડાની વિરુદ્ધમાં છે.

લોકસભામાં ખરડો રજૂ કરાયો હતો ત્યારે પણ કોંગ્રેસના સભ્યોએ તેનો જોરદાર રીતે વિરોધ કર્યો હતો, પણ સરકારે એમની એકેય દલીલ સાંભળી નહોતી અને એમણે સૂચવેલા એકેય સુધારા-પ્રસ્તાવને સ્વીકાર્યો નહોતો એટલે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહિત અમુક પાર્ટીઓના સભ્યો મતદાન પૂર્વે જ સભાત્યાગ કરી ગયા હતા.

કોંગ્રેસની દલીલ છે કે ટ્રિપલ તલાક ખરડામાં કોઈ પતિને ગુનેગાર ગણી એને જેલની સજા ફટકારવી એ ખોટું છે.

વિપક્ષની માગણી છે કે આ ખરડાને વધુ અભ્યાસ માટે સંસદની સંયુક્ત પસંદગી સમિતિને મોકલવો જોઈએ.