સરક્યૂલર ટ્રેડિંગનો મતલબ ચોરી જ થાય એવું જરૂરી નથી: કંપની પ્રમોટર્સ

0
942

નવી દિલ્હી- ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ચોરીની શંકામાં ટેક્સ ડિપાર્ટમેન્ટે એવી કંપનીઓ સામે તપાસ શરુ કરી છે, જે કંપનીઓ સરક્યૂલર ટ્રેડિંગમાં સામેલ છે. ડિપાર્ટમેન્ટે આવી કંપનીઓના પ્રમોટરોની ધરપકડ પણ કરી છે. સરક્યૂલર ટ્રેડિંગનો ઉપયોગ ટર્નઓવર વધારવા અથવા તો સિસ્ટમમાં બ્લેક મની ઘુસાડવા માટે કરવામાં આવે છે.

ટેક્સ ડિપાર્ટમેન્ટનો દાવો છે કે, જીએસટી ક્રેડિટ મેળવવા માટે દેશભરમાં 25 હજાર કરોડના બોગસ ઈનવોઈસ (બીલ) ઈશ્યૂ કરવામાં આવ્યાં છે. ગત ફેબ્રુઆરીમાં જ ડિપાર્ટમેન્ટે એવા પ્રકારની કંપનીઓ પર દરોડા પાડીને તેમને નોટીસ ઈશ્યૂ કરી હતી. આ કંપનીઓ બીજી કંપનીઓના દસ્તાવેજ પર માલ સામાન વેચીને ટર્નઓવર વધારી રહી હતી.

આ મામલાના જાણકારોનું કહેવું છે કે, કેટલાક પ્રમોટર્સોએ બોમ્બે હાઈકોર્ટની ક્રિમિનલ બેન્ચનો સંપર્ક કર્યો હતો જેમણે આ લોકોને જામીન આપી દીધા અને ડિપાર્ટમેન્ટ પાસેથી જવાબ માગ્યો હતો. છેલ્લા થોડા અઠવાડિયામાં જૂદા જૂદા લોકોને જામીન આપવામાં આવ્યા હતાં.

સરક્યૂલર ટ્રેડિંગ સમજવા માટે ઉદાહરણ તરીકે મુબંઈની એક પ્લાસ્ટિક કપંનીને લઈએ. મુંબઈની આ પ્લાસ્ટિક કંપનીએ પૂણેની એક કંપનીને સામાન વેચ્યો. ત્યાર બાદ પૂણેની કંપનીએ બેંગ્લુરુમાં એક કંપનીને એ સમાનની વેચાણ કર્યું અને બેંગ્લુરુની કંપની એ સમાન પરત મુંબઈની કંપનીને વેચ્યો. આ વેચાણ માત્ર કાગળ પર કરવામાં આવ્યું, હકીકતમાં સામાન મુંબઈની કંપનીના ગોડાઉનમાં જ પડ્યો હતો. આ પ્રક્રિયામાં દરેક ટ્રાન્જેક્શન પર જીએસટી ક્રેડિટ ક્લેમ કરવમાં આવ્યું. આવું એટલા માટે કરવામાં આવ્યું જેથી ટર્નઓવર વધારીને દેખાડી શકાય. આમ કરવાથી કંપનીના વેલ્યૂએશનમાં વધારો થાય છે, અને કંપનીને બેંક પાસેથી વધુ લોન લેવામાં મદદ મળે છે.  ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે, ડિપાર્ટમેન્ટના કડક વલણથી ઈમાનદારીથી કામ કરતી કંપનીઓને મુશ્કેલી પડી રહી છે.

ધરપકડ કરાયેલા લોકોનું કહેવું છે કે, ડિપાર્ટમેન્ટે જે મામલે ઘરપકડ કરી છે, તેમણે કાયદાકીય રીતે પડકારી શું. વકીલોએ કહ્યું કે, કેટલાક મામલાઓમાં ઘરપકડ થઈ છે, જ્યારે તેમાંથી કોઈએ બોગસ બિલો ઈશ્યુ નથી કર્યાં. તેઓનું કહેવું છે કે, સર્કૂલર ટ્રેડિંગનો મતલબ ચોરી જ થાય એવું જરૂરી નથી. ખેતાન એન્ડ કંપનીએ એવા ઘણા મામલાઓમાં ક્લાઈન્ટ્સ તરફથી જામીન અરજી દાખલ કરી છે. તેમના પાર્ટનર અભિષેક એ રસ્તોગીના જણાવ્યા અનુસાર કેટલીક કંપનીઓ સર્કૂલર ટ્રેડિંગ કરી છે, પરંતુ તેનો મતલબ એવો નથી કે તેઓ ટેક્સ ચોરી માટે બોગસ બીલ ઈશ્યૂ કરી રહી હોય. કેટલાક મામલે પ્રમોટરોને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે પરંતુ તેને પડકારવા માટે અમારી પાસે કાયદાનો આધાર છે.

છેલ્લા કેટલાક મહિનામાં ઈનડાયરેક્ટ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઈન્ટેલિજન્સ યૂનિટે ઘણી કંપનીઓને નોટિસ પાઠવી છે. અને સરક્યૂલર ટ્રેડિંગની શંકામાં કેટલાક પ્રમોટર્સની ઘરપકડ પણ કરી છે. છેલ્લા થોડા દિવસોમાં ટેક્સ ડિપાર્ટમેન્ટે કેટલીક કંપનીઓને નોટીસ પાઠવીને તેમની પાસેથી તમામ ખરીદી અને વેચાણ ટ્રાન્જેક્શનના પુરાવા અને બિલ રજૂ કરવા કહ્યું છે. ડિપાર્ટમેન્ટને શંકા છે કે, કેટલીક કંપનીઓ માત્ર બોગસ બીલ ઈશ્યૂ કરીને ટેક્સ ક્રેડિટ મેળવી રહી છે.