અગસ્ટાવેસ્ટલેન્ડ કેસ: CBIને ઈટાલીથી હાથ લાગ્યો મહત્વનો ફેક્સ

નવી દિલ્હી-અગસ્ટાવેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડમાં ધરપકડ કરાયેલા મધ્યસ્થી, ક્રિસ્ટીયન મિશેલે આ સોદા અંગે યુપીએ કેબિનેટને પોતાના ઈશારે નચાવવાનો પ્રયાસ કર્યો હતો. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સીબીઆઇને એક ફેક્સ મળ્યો છે, જે મિશેલે જાન્યુઆરી 2010માં અગસ્ટા વેસ્ટલેન્ડના આંતરરાષ્ટ્રીય બિઝનેસના વાઇસ પ્રેસિડન્ટ, જિયોકોમો સેપોનારો મોકલ્યો હતો. મિશેલે આ ફૅક્સમાં દાવો કર્યો હતો કે તત્કાલિન નાણાં સચીવ રશિયન લોબી સાથે સંપર્કમાં હતાં. ફેક્સ એ પણ દર્શાવે છે કે, ભારતને વેચવામાં આવનારા 12 VVIP હેલિકોપ્ટરમાં અમેરિકા અને રશિયાની કંપનીઓને પાછળ રાખવા માટે યુપીએની સંપૂર્ણ કેબિનેટને તેમના સમર્થન માટે તૈયાર કરવી પડશે. સીબીઆઈને ઇટાલીથી આ ફેક્સ મળ્યો છે. ફેક્સ મુજબ મિશેલને તે સમયે નાણાં મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયની તમામ ફાઇલોની હલચલ અંગે સંપૂર્ણ માહિતી હતી.

સીબીઆઇએ શંકા વ્યક્ત કરી હતી કે, તે સમયે મિશેલને સંરક્ષણ પ્રધાન એ.કે.ઍન્ટની પહેલા તમામ ફાઈલો અંગે જાણકારી મળી જતી હતી.  અન્ય એક ખબર એવી પણ છે કે, મિશેલે અગસ્ટાવેસ્ટલેન્ડના તેના માસ્ટરોને એવું કહી રાખ્યું હતું કે, તેમણે ઘણી ઊંચી પહોંચ દ્વારા અનેક મુશ્કેલીઓને પાર કર્યા પછી આ સોદો કરાવ્યો છે. મહત્વનું છે કે, 18 જાન્યુઆરીના રોજ, તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતા હેઠળની કેબિનેટ કમિટીએ 12 વીવીઆઈપી હેલિકોપ્ટરના કિસ્સામાં અગસ્ટાવેસ્ટલેન્ડને સોદાની મંજૂરી આપી હતી.

અગસ્ટાવેસ્ટલેન્ડ હેલિકૉપ્ટર કૌંભાંડમાં ધરપકડ કરાયેલા ક્રિસ્ટીયન મિશેલની જામીન અરજી પર દિલ્હીની એક કોર્ટે 22 ડિસેમ્બર માટે ચૂકાદો અનામત રાખ્યો હતો અને 28 ડિસેમ્બર સુધી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. બ્રિટીશ નાગરિક મિશેલ (57) ને સ્પેશિઅલ જજ અરવિંદ કુમાર સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે તેમને કસ્ટડીમાં રાખીને વધુ તપાસની જરૂર નથી.