કોંગ્રેસે ઉજવ્યો 134મો સ્થાપના દિવસ, દિગ્ગજોએ કેક કાપી કરી ઉજવણી

નવી દિલ્હીઃ દેશની સૌથી જૂની રાજનૈતિક પાર્ટી કોંગ્રેસ આજે પોતાનો 134મો સ્થાપના દિવસ મનાવી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ પ્રસંગે પાર્ટીના મુખ્યાલયમાં ઝંડો લહેરાવ્યો હતો. આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિત પાર્ટીના અન્ય પણ મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યારે આ પ્રસંગે રાહુલ ગાંધી અને મનમોહનસિંહે કેક પણ કાપી હતી.

ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભારતીય જનતાપાર્ટીને મ્હાત આપીને કોંગ્રેસ જોશમાં છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા પાર્ટી માટે એક મોટા બૂસ્ટ તરીકે આને જોવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે કોંગ્રેસની સ્થાપના બ્રિટિશ રાજમાં 1885માં થઈ હતી. કોંગ્રેસના સંસ્થાપકોમાં દાદાભાઈ નવરોજી, એઓ હ્યૂમ, અને દિનશા વાચા જેવા મોટા દિગ્ગજો હતા. 1947માં જ્યારે દેશને આઝાદી મળી ત્યાર બાદ કોંગ્રેસ દેશની પ્રથમ મોટી રાજનૈતિક પાર્ટી બની.

આઝાદીથી લઈને 2016 સુધી થયેલી લોકસભા ચૂંટણીઓ પૈકી કોંગ્રેસ 6 ચૂંટણીમાં બહુમતી સાથે જીત પ્રાપ્ત કરી હતી.  4 વાર કોંગ્રેસની આગેવાનીમાં કેન્દ્રમાં ગઠબંધનવાળી સરકારો પણ બની. અત્યારસુધી દેશના સાત વડાપ્રધાન કોંગ્રેસના થઈ ચૂક્યા છે. આમાં સૌથી પહેલો નંબર જવાહરલાલ નહેરુનો હતો.


વર્ષ 2014ની લોકસભા ચૂંટણી કોંગ્રેસ માટે સૌથી ખરાબ રહી. કોંગ્રેસ માત્ર 44 સીટો જ પ્રાપ્ત કરી શકી હતી, દેશમાં વ્યાપ્ત મોદી લહેરથી ભાજપે પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી.

2014 બાદથી સતત કોંગ્રેસ રાજ્યોમાં પણ હારતી રહી પરંતુ પહેલાં પંજાબ, પછી કર્ણાટક અને હવે છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં જીત નોંધાવીને પાર્ટી જોશમાં છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીના કામમાં લાગતાં પહેલાં કોંગ્રેસ આક્રમક છે.