હિંદ મહાસાગરમાં ચીનની દાદાગીરી સામે ભારતે ઉતાર્યા 8 વૉરશિપ

નવી દિલ્હી- ભારતને સમુદ્રમાં ઘેરવા ચીન તેના યુદ્ધ જહાજ હિંદ મહાસાગરમાં ઉતારી રહ્યું છે. એક ચીની વેબસાઈટ દ્વારા મળતી માહિતી મુજબ ચીને તેના 11 યુદ્ધ જહાજ હિંદ મહાસાગરમાં મોકલ્યા છે. જેથી ભારતીય નેવી અને ચાઈનીઝ નેવી વચ્ચેનું અંતર પણ ઓછું રહી ગયું છે. જવાબમાં ભારતે પણ 8 યુદ્ધ જહાજ હિંદ મહાસાગરમાં ઉતાર્યા છે, જે ચીનની ગતિવિધિઓ પર નજર રાખશે.મળતી માહિતી મુજબ ચીને હિંદ મહાસાગરમાં ઉતારેલા તેના યુદ્ધ જહાજમાં એક જહાજ એવું પણ છે જેના ઉપરથી વિમાન અને હેલિકોપ્ટર ટેકઓફ અને લેન્ડ કરી શકે. જોકે ચીન તરફથી આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ જાણકારો માને છે કે, માલદીવ સંકટમાં ભારતનો હસ્તક્ષેપ ચીનને પસંદ નહીં હોવાથી ચીન ભારત વિરુદ્ધ આડકતરી રીતે કાર્યવાહી કરી રહ્યું છે.

હિંદ મહાસાગરમાં ચીનના યુદ્ધ જાહાજોએ ક્યારે પ્રવેશ કર્યો અથવા આગામી કેટલા દિવસ સુધી ચીનની આ ગતિવિધિ ચાલુ રહેશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ માલદીવ પર પ્રભાવ છોડવા માટે ભારત અને ચીન વચ્ચે સ્પર્ધા ચાલી રહી હોય તેમ લાગે છે.

આપને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા માલદીવના પૂર્વ પ્રેસિડેન્ટ મોહમ્મદ નશીદે માલદીવના રાજકીય સંકટને લઈને સમાધાન માટે ભારત પાસે સૈન્ય કાર્યવાહી કરવા અપીલ કરી હતી. જેને લઈને ચીનના પેટમાં તેલ રેડાયું હતું.