શું ભારત સાથે વધુ એક સરહદી ટકરાવની તૈયારી કરી રહ્યું છે ચીન?

નવી દિલ્હી- ડોકલામ મામલે ભારત તરફથી મળેલા રાજકીય પરાજયને ચીન પચાવી શક્યું નથી. જેથી વધુ એકવાર ભારત સાથે સરહદી ટકરાવ કરવા ચીન તૈયારી કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. મળતી માહિતી મુજબ ભારતીય સરહદ પર ચીને જાસુસી કરવા માનવરહિત હેલિકોપ્ટર અને ડ્રોન તહેનાત કરવાની યોજના બનાવી લીધી છે.ડોકલામ સરહદે ગતિરોધ બાદ ચીનની પિપલ્સ લિબરેશન આર્મી (PLA) ડોકલામના ઉત્તર ભાગમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી રહ્યું છે. સાથે જ માનવરહિત ડ્રોનનું પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. ચીનની સેનાના આ પગલાને કારણે ભારતીય સુરક્ષા એજન્સીઓની ચિંતા વધે તે સ્વાભાવિક છે.

જાણકારોનું માનીએ તો, ચીનની સેનાને હાલમાં જ એવિએશન ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન ઓફ ચાઈનાએ ટ્રોડી ડ્રોન રજૂ કર્યા છે. સાથે જ ત્રણ પ્રકારના માનવરહિત હેલિકોપ્ટર દ્વારા પણ એટેક ટેસ્ટ કરવામાં આવ્યો છે. AVIC દ્વારા જે ત્રણ પ્રકારના માનવરહિત હેલિકોપ્ટરનું પરીક્ષણ કરવામાં આવ્યું છે તેમાં શાન ઝી નિઆયો (AV 500), ઝાન લાંગ (AV 500W), અને ચા ડીનો (XM20) સમાવેશ કરવામાં આવ્યો છે. જાસુસી એજન્સીના જણાવ્યા મુજબ ઝાન લાંગ એક માનવરહિત હેલિકોપ્ટર છે, જે વિસ્ફોટક લઈને આકાશમાં ઘણે ઉંચે સુધી ઉડી શકવા માટે સક્ષમ છે.

ભારતીય સુરક્ષા એજન્સીએ એ વાતના સંકેત આપ્યા છે કે, ચીન વધુ એકવાર ભારત સાથે ટકરાવની સ્થિતિનું નિર્માણ કરી રહ્યું છે. માનવરહિત હેલિકોપ્ટર અને ડ્રોનના પરીક્ષણ તેમજ ડોકલામમાં ચીની સૈનિકોની વધી રહેલી સંખ્યા ભવિષ્યમાં ભારત સાથે ટકરાવની સ્થિતિના સંકેત આપે છે. એક શક્યતા એવી પણ વ્યક્ત કરવામાં આવી છે કે, ગરમી શરુ થયા બાદ ચીન ફરીથી વિવાદ શરુ કરી શકે છે.