CJI સામે મહાભિયોગ: શું પ્રસ્તાવ પાસ કરાવવાની વિપક્ષમાં છે તાકાત?

નવી દિલ્હી- ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રા વિરુદ્ધ કોંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષો મહાભિયોગ લાવવા તૈયારી કરી રહ્યાં છે. કોંગ્રેસે આ અંગેની પ્રક્રિયા પણ શરુ કરી દીધી છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા આ અનુસંધાને અન્ય વિપક્ષો સાથે ચર્ચા પણ કરી રહ્યાં છે. પરંતુ પ્રશ્ન એ છે કે, શું વિપક્ષ ખરેખર CJI વિરુદ્ધ પમહાભિયોગનો પ્રસ્તાવ પાસ કરાવવાની સ્થિતિમાં છે ખરો?જોકે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને તેમના પદથી હટાવવા માટે મહાભિયોગ લાવવો એ જ એકમાત્ર વિકલ્પ હોય છે. અને સંસદના બંને ગૃહોમાં સ્પષ્ટ બહુમતિથી પ્રસ્તાવને મંજૂરી મળ્યાં બાદ રાષ્ટ્રપતિની મંજૂરી પણ અનિવાર્ય છે. ત્યારબાદ જ ચીફ જસ્ટિસને પદ પરથી હટાવી શકાય છે.

શું છે સમગ્ર પ્રક્રિયા?

CJI વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવા માટે લોકસભામાં 100 અને રાજ્યસભામાં 50 સાંસદોના હસ્તાક્ષર હોવા અનિવાર્ય છે. હસ્તાક્ષર થયા બાદ પ્રસ્તાવને સંસદના કોઈ પણ એક સદનમાં મુકવામાં આવે છે. આ પ્રસ્તાવ રાજ્યસભાના સભાપતિ અથવા લોકસભાના સ્પિકર બન્નેમાંથી કોઈ એકને આપવાનો રહે છે. પ્રસ્તાવને સ્વીકારવો અથવા નહીં તે રાજ્યસભાના સભાપતિ અથવા લોકસભાના સ્પિકર પર નિર્ભર કરે છે.

જો રાજ્યસભાના સભાપતિ અથવા લોકસભાના સ્પીકર પ્રસ્તાવ મંજૂર કરે તો CJI સામે તપાસ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરવામાં આવે છે. આ કમિટીમાં સુપ્રીમ કોર્ટના એક ન્યાયાધીશ, હાઈકોર્ટના એક ન્યાયાધીશ અને એક ન્યાય નિષ્ણાંતનો સમાવેશ કરવામાં આવે છે. જો કમિટીની તપાસમાં જજ દોષિત સાબિત થાય તો જે સદનમાં પ્રસ્તાવ આપવામાં આવ્યો છે, ત્યાં આ અંગે અહેવાલ રજૂ કરવામાં આવે છે.

તપાસ અહેવાલને સંસદના બંને સદનોમાં બે-તૃતિયાંશ બહુમતિ સાથે સમર્થન મળ્યાં બાદ તેને રાષ્ટ્ર્રપતિ સમક્ષ મોકલી આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ પોતાના અધિકારનો ઉપયોગ કરી CJIને તેમના પદ પરથી હટાવવાનો આદેશ આપી શકે છે.