છત્તીસગઢમાં કોંગ્રેસને મોટો ઝાટકો: કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ભાજપમાં જોડાયા

રાયપુર- છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીને એક મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીને મોટો ઝાટકો લાગ્યો છે.પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય રામદયાલ ભાજપમાં જોડાઈ ગયા છે. રામદયાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી હતી.આપને જણાવી દઈએ કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ છત્તીસગઢના બે દિવસના પ્રવાસે છે. મળતી માહિતી મુજબ અમિત શાહે બિલાસપુરમાં એક ગુપ્ત બેઠક યોજી હતી. ત્યારબાદ અચાનક જ પત્રકાર પરિષદને સંબોધન કર્યું. જેમાં રાજ્યના સીએમ ડોક્ટર રમણસિંહ અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં રામદયાલ ભાજપમાં જોડાયા હતા.

રામદયાલ ઉઈક ચાર વખતથી કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. અજીત જોગીએ વર્ષ 2000માં રામદયાલને ભાજપમાંથી કોંગ્રેસમાં શામેલ કર્યા હતાં. તેમણે વર્ષ 2000માં અજીત જોગી માટે મરવાહી બેઠક છોડી હતી. હવે તેમના ભાજપમાં જોડાયા બાદ અટકળો લગાવવમાં આવી હરી છે કે, તેઓ મરવાહી બેઠક માટે ટિકિટ માગી શકે છે.

વર્ષ 2000માં જ્યારે રામદયાલ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારે તેમની સાથે 12 ધારાસભ્યો પણ કોંગ્રેસમાં જોડાયા હતા. હવે 17 વર્ષ પછી રામદયાલ ફરી ભાજપમાં જોડાયા છે. મહત્વનું છે કે, રામદયાલ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદે રહીને ભાજપમાં જોડાનારા રાજ્યના પ્રથમ નેતા છે.