છત્તીસગઢ ચૂંટણી: પ્રથમ તબક્કામાં જોવા મળ્યો મતદારોનો ઉત્સાહ

0
1443

રાયપુર- છત્તીસગઢમાં ભારે સુરક્ષા વચ્ચે આજે પ્રથમ તબક્કાનું મતદાન સંપન્ન થયું છે. આજે નક્સલ પ્રભાવિત આઠ જિલ્લાઓના મતદારોએ સીએમ રમણ સિંહ સહિત 190 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ કર્યું છે. પ્રથમ તબક્કામાં 18 વિધાનસભા ક્ષેત્રમાં મતદાન યોજાયું હતું. જેમાં નક્સલ પ્રભાવિત રાજનાંદગાવ જિલ્લાના મોહલા-માનપુર, કાંકેર જિલ્લાના અંતાગઢ, ભાનુપ્રતાપપુર અને કાંકેર, કોંડાગાવ જિલ્લાના કેશકાલ અને કોંડાગાંવ, નારાયણપુર જિલ્લાના નારાયણપુર, દંતેવાડા, બીજાપુર તેમજ સુકમા જિલ્લાના કોંટા વિધાનસભા બેઠક માટે સવારે સાતથી બપોરના ત્રણ વાગ્યા સુધી મતદાન યોજવામાં આવ્યું હતું.વિધાનસભા ક્ષેત્ર ખૈરાગઢ, ડોંગરગઢ, રાજનાંદગાંવ, ડોંગરગાંવ, ખુજ્જી, બસ્તર, જગદલપુર અને ચિત્રકોટમાં સવારના આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાન માટે કુલ 4 હજાર 336 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. ચૂંટણી પ્રચાર માટે અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની પણ આવી ચૂક્યા છે.

રાજ્યના મુખ્ય મતદાર ક્ષેત્રોમાં 4:30 વાગ્યા સુધીમાં નોંધાયેલા મતદાનના આંકડા…

બસ્તર- 58 ટકા

દંતેવાડા- 49 ટકા

ડોંગરગઢ- 64 ટકા

કાંકેર- 62 ટકા

કેશકાલ- 63.51 ટકા

ખેરગઢ- 60.5 ટકા

ખુજ્જી- 65.5 ટકા અને

કોંડાગામ- 61.47 ટકા

ચૂંટણી પંચના આંકડા મુજબ રાજ્યમાં 4:30 વાગ્યા સુધીમાં સરેરાશ 56.58 ટકા જેટલું મતદાન નોંધાયું છે.